- “દાહોદ જિલ્લાના યુવાનોને યોગ્ય શિક્ષણ અને સુવિધાઓ મળતાં તેઓ પણ હવે ધીમે ધીમે વિવિધ ક્ષેત્રોમાં રસ દાખવી સફળતાના શિખરો સર કરી રહ્યા છે, સરકારની મદદ થકી આદિવાસી સમાજમાં પણ હવે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક બદલાવ આવી રહ્યો છે.” – કૌશિક ગરાસીયા
- “કડકનાથ” એ એક મૂળભૂત આદિવાસી ફિલ્મ છે. જેમાં મુખ્ય કેરેક્ટર આદિવાસીનું છે.” – કૌશિક ગરાસિયા
” મારું મૂળ ગામ ભમરી – કુંડા છે, જે માનગઢની પહાડી ઓમાં આવેલું છે, જ્યાં દેશ માટે આદિવાસીઓએ પોતાના જીવનની આહુતિ આપી હતી, તે ગામ મારું વતન છે.” – એમ કહેનાર કૌશિક ગરાસીયા પોતાના વિશે જણાવતાં કહે છે કે, મારા માતા – પિતાની નોકરીને કારણે હું દાહોદમાં મોટો થયો અને રહ્યો છું. મારા પિતા ભીલ સેવા મંડળ નામના એજ્યુકેશન ટ્રસ્ટમાં સેક્રેટરી છે અને મારી માતા એ જ ટ્રસ્ટની સંસ્થા ભીલ કન્યા છાત્રાલયમાં ગૃહમાતા તરીકે સર્વિસ કરતા હતા.
કૌશિક ગરાસીયાના અભ્યાસની વાત કરીએ તો તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ દાહોદની નામાંકિત શાળા એમ. વાય. હાઈસ્કુલમાં પૂર્ણ કર્યું હતું. દાહોદમાં જ પોતાનો બેઝિક અભ્યાસ કર્યા બાદ તેઓ પત્રકારત્વમાં સ્નાતક થવા માટે એસ.પી. યુનિવર્સિટી, આણંદ ખાતે એડમિશન લીધુ. ત્યાર બાદ તેમણે ફિલ્મમેકિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન FTII પુણેમાં પૂર્ણ કર્યું.
બીજા ફિલ્મ દિગ્દર્શકો પહેલા બનેલી ફિલ્મો દ્વારા પ્રભાવિત થઈ ફિલ્મજગતમાં આવતા હોય છે. પણ અહી કૌશિકની વાત જ અલગ હતી. કૌશિકનો ફિલ્મ જગતમાં પગ મૂકવાનો વિચાર એમના સમાજની પરિસ્થિતિને કંઈક અંશે સુધારી શકાય એ હેતુ સાથે એમણે પત્રકારત્વમાં ઝંપલાવ્યુ અને ત્યાંથી ફિલ્મ મેકિંગ તરફ એમનો ઝુકાવ વધ્યો.
પત્રકારત્વ થકી સમાજ વિશેની ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવવાની તેમની પ્રબળ ઈચ્છા હતી. પરંતુ ડોક્યુમેન્ટરી ફિલ્મોની પહોંચ મર્યાદિત હોવાને કારણે તેમણે વિચાર કર્યો કે પોતાની લખેલી વાર્તાઓ પર જો ફિલ્મ બને તો કેવુ..! જે એ લોકો સુધી પહોચી શકે કે જેઓ ખરા અર્થમા ફિલ્મના કેંદ્રમા છે. બસ પછી ત્યાંથી શરુ થઇ ફિલ્મ જગતમાં કૌશિક દ્વારા લખેલી ફિક્શન શોર્ટ ફિલ્મસ.
તેમણે ડાઇરેક્ટ કરવાનું ચાલુ કર્યુ અને ત્યાંથી તેમની લખેલી વાર્તાઓ પડદા પર આકાર લેવા પામી હતી. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) માં અભ્યાસ કરવાનો અનુભવ જણાવતાં તેઓ કહે છે કે, FTII થી એક માધ્યમ તરીકે સિનેમાના સંદર્ભમાં મારો પૂરો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. ત્યાં જઈ ને સમજાયુ કે, ફિલ્મ મેકિંગ શીખવામાં એક લાંબો સમય લાગશે. પણ FTII ને કારણે જ ફિલ્મ બનાવવાનો મારો આત્મવિશ્વાસ વધ્યો. ત્યાં દુનિયાભરમાં બનેલી અદ્ભુત ફિલ્મો જોવાની તક મળી. તે ફિલ્મ્સ જોઈને દાહોદ જેવી જગ્યા પર ફિલ્મ્સ કઈ રીતે બની શકે તે વિશેની નવી દિશા મળી.
કૌશિક એમની પહેલી ફિલ્મ વિશે જણાવે છે કે, “કડકનાથ” એ સ્થાનિક ભીલી બોલીમાં બનતી પ્રથમ ફિલ્મ છે, જે આદિવાસી ફિલ્મ મેકર દ્વારા બનાવામાં આવતી હોય. આ ફિલ્મ પ્રેક્ષકોને આદિવાસી દુનિયાની અનુભૂતિ કરાવશે. આ ફિલ્મ જાતિગત એટ્રોસીટીને કંઈક અલગ જ રીતે રજૂ કરવાનો પ્રયાસ છે. આ ફિલ્મમા બે ભાઈઓની વાર્તા છે જેમાં એક ઘટનાને પરિણામે બંને ભાઈ એમના અલગ-અલગ માર્ગે આગળ વધે છે. જેમ-જેમ ફિલ્મ આગળ વધે છે તેમ-તેમ સમગ્ર કથા આદિવાસી સમાજની જટિલ સમસ્યાઓને આવરી લઇને આગળ ગૂંથાતી જાય છે.
ફિલ્મમાં મોટાભાગના કેરેક્ટર દાહોદના જ હોવાથી આદિવાસી જીવન, બોલી અને સંસ્કૃતિને રજૂ કરવામાં સફળતા મળી છે. ફિલ્મમાં દાહોદના આદિવાસી સમાજના ઘણા બધા સાંસ્કૃતિક રીતિ -રિવાજને આવરી લીધા છે જે પહેલી વખત સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. ફિલ્મમાં સ્થાનિક બોલી પોતે જ એક ફિલ્મના મજબૂત પાસા તરીકે બહાર આવી રહી છે, જે અગાઉ ક્યારેય કોઈ ફિલ્મમાં સાંભળવામાં ન આવી હોય. આ ફિલ્મ આદિવાસી સમાજની ધાર્મિક વિધિઓ અને સાંસ્કૃતિક પાસાઓને પ્રદર્શિત કરવા માટેનો એક પ્રયત્ન હશે. ફિલ્મના કેમેરા પાછળ રહેલી મોટાભાગની ટીમ પણ આદિવાસી હોવાને કારણે આ એક મૂળભૂત આદિવાસી ફિલ્મ કહી શકાય છે.
અમે અત્યારે ” કડકનાથ” ફિલ્મ પોસ્ટ-પ્રોડક્શનમાં એડિટિંગના અંતિમ તબક્કા પર છીએ અને તેને આંતર રાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવાનો પણ વિચાર કરી રહ્યા છીએ. આ ફિલ્મ વર્ષ ૨૦૨૫ ના અંતમાં બહાર પડી શકે તેવી શક્યતાઓ છે. આદિવાસી વિસ્તારમાં બનેલી આગળની ફિલ્મ્સ વિશે કૌશિકનું માનવું છે કે, આદિવાસી વિસ્તારને ભાગ્યે જ ફિલ્મોમાં પ્રમાણિક રીતે રજૂ કરવામાં આવે છે. જ્યારે કેટલીક ફિલ્મો આ પ્રદેશમાં શૂટ કરવામાં આવી છે, ત્યારે તેમાં આ વિસ્તારોની માત્ર સુંદરતા અને લેન્ડસ્કેપનો બેકડ્રોપ તરીકે ફિલ્મોમાં વપરાતા હોય છે. તેમા મોટેભાગે આદિવાસી સમાજ વિશે કોઇ વાત નથી હોતી. એક આદિવાસી ફિલ્મમેકર તરીકે તેઓ ‘ કડકનાથ ’ દ્વારા દાહોદવાસીઓના સાચા સામાજિક ચિત્રને સચોટ રીતે પરદા પર ઉતારે એવો પ્રયત્ન કરી રહ્યા છે.
આ ફિલ્મ દાહોદની અનોખી સંસ્કૃતિને રજુ કરે છે, જેમાં દાહોદની આસ-પાસના લગભગ ૧૫ જેટલા ગામડાઓમાં શૂટ થયેલા દ્રશ્યો છે. આ ફિલ્મની અંદર એવો પ્રયાસ કરાયો છે કે ધાર્મિક ગતિ-વિધિઓ અને સાંસ્કૃતિક રિવાજો પર પણ એક પ્રકાશ પડે. એક આદિવાસી હીરો કેમ ના હોઈ શકે ? કૌશિક તેમની ફિલ્મમેકિંગને સમજાવતા કહે છે કે, હંમેશા આદિવાસીઓને રમુજી, મૂંગા, લાચાર અને મૂર્ખ તરીકે રજૂ કરવામાં આવે છે. એક આદિવાસી ફિલ્મમેકર તરીકે હું આ સમગ્ર ધારણા બદલવા માંગુ છું. મારી ફિલ્મોમાં એ પ્રયાસ રહેશે જ કે મુખ્ય કિરદાર આદિવાસી હોય. હું જોવા માંગુ છું કે સમગ્ર કથા આદિવાસી નાયક-નાયિકા માટે ઘડાયેલી હોય.
મારી ફિલ્મોનો ઉદ્દેશ્ય આદિવાસી જીવનની ગરિમા અને સંસ્કૃતિને રજૂ કરવાનો છે, હું આદિવાસી ફિલ્મોની પહોંચ વધારવા માંગુ છું. કૌશિક બાબા સાહેબ આંબેડકરને યાદ કરતા કહે છે કે, “ શિક્ષિત બનો, સંગઠિત રહો, સંઘર્ષ કરો ” એ એક બુનિયાદી વિચારની સાથે આદિવાસી સમાજ બધી દિશામાં આગળ વધી શકે છે. એ જ વિચારથી પ્રભાવિત થઈને તે તેમના આદિવાસી મિત્રોએ ભેગા થઈને ફિલ્મ મેકિંગની નવી કેડી કંડારી આગળ વધી રહ્યા છે. કૌશિકનું માનવું છે કે, જ્ઞાન અને તમારા કાર્યમાં કુશળતા જ તમને અલગ પાડી શકે છે. તેથી સતત એ પર મહેનત કરતા રહેવું જોઈએ.
કૌશિક આજના યુવાનોને સંદેશ આપતાં કહે છે કે, આ બધું સાધારણ વાંચવા અને લખવાની આદતથી જ શરૂ થઈ શકે છે. ફોનથી જ વાંચવા – લખવાનું તેમજ શૂટિંગ કરી શકે છે. ફોન એ છેલ્લા અમુક વરસોમાં આવેલો એક અદ્ભુત આવિસ્કાર છે. તમે તેના લીધે સમય વેડફશો નહીં પરંતુ એના માધ્યમથી ઘણું શીખી શકો છો. ફોનથી ફિલ્મ મેકિંગ કરીને એક સામાન્ય વાર્તા કહેવાની રીતને સમજી શકાય છે. આમ કરતા જે ભૂલો થાય તે થયેલી ભૂલોમાંથી શીખો અને ફરીથી નવી શરૂઆત કરો.
છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણા દાહોદ જિલ્લાના યુવાનોને યોગ્ય શિક્ષણ અને સુવિધાઓ મળતાં તેઓ પણ હવે ધીમે ધીમે વિવિધ ક્ષેત્રોમાં રસ દાખવી સફળતાના શિખરો સર કરી રહ્યા છે, આટલાં વર્ષોમાં સરકારની મદદ થકી આદિવાસી સમાજમાં પણ હવે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક બદલાવ આવી રહ્યો છે. સરકાર આદિવાસી સમાજ માટે જનમથી લઇને તમામ પ્રકારની સુવિધાઓ આપવા કટીબદ્ધ બની છે ત્યારે એનો લાભ સૌએ લઇને પોતાને ગમતા ક્ષેત્રે આગળ વધવું જોઈએ. આજે તબીબી હોય કે ફિલ્મ, એન્જીનીયરિંગ હોય કે અન્ય ક્ષેત્ર હોય, કોઈપણ ક્ષેત્રમાં દાહોદના યુવાનો આજે પોતાના સપના સાકાર કરવાને આગળ વધી રહ્યા છે. વર્ષો પહેલાંના દાહોદ અને અત્યારના દાહોદ વચ્ચે કોઈ તુલના કરી શકાય નહીં.