દાહોદ તાલુકાના ચંદવાણા ગામના લાભાર્થી રમીલાબેન પરમારને હાર્ટમાં તકલીફ હોવાથી દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેઓની સારવાર કરવામાં આવી, ત્યારબાદ દાહોદની રીધમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રીધમ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ એન્જીયોગ્રાફી અને બે બ્લોક નસની બાયપાસ સર્જરી વિના મુલ્યે કરવામાં આવી હતી. સર્જરી બાદ તેઓ હાલ સ્વસ્થ છે. લાભાર્થીના પતિ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આજથી આશરે સાત મહિના પહેલા મારી પત્નીને એકદમ છાતીમાં દુખાવો થયો હતો. અમને લાગ્યું હતું કે, ક્યારેક આવું જ થતું હોય છે. એટલે સામાન્ય કંઈક હશે. પણ દુખાવો ધીમે ધીમે વધારે થવા લાગ્યો. એકદમ શરીર પરસેવે રેપઝેપ થઈ ગયું, શ્વાસોશ્વાસની પ્રક્રિયા વધી ગઈ હતી.
વધુમાં કહ્યું હતું કે, શરીરનો અમુક ભાગ કામ ન કરતો હોય તેવું લાગી રહ્યું હતું. આખું શરીર ખાલી ચડી હોય તેવું થઈ ગયું. એટલે અમે તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ગયા. હોસ્પિટલમાં અમને તાત્કાલિક બધી સારવાર મળી રહી એટલે સારું થઈ ગયું હતું. એટલે અમે ઘરે આવતા રહ્યા હતા. પરંતુ ક્યારેક – ક્યારેક ફરી તેની તકલીફ થતી હતી. ત્યારબાદ અમે દાહોદની રીધમ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં હાજર રહેલા તબીબે તપાસ કરી રીપોર્ટ કર્યા બાદ સર્જરી કરવા માટે કહ્યું હતું. અમે સામાન્ય વર્ગના લોકો છીએ. અમારી પાસે સર્જરી કરાવી શકાય તેટલા પૈસા ન હતા. પણ સરકરા દ્વારા ચાલતી યોજના હેઠળ અપાતું આયુષ્યમાન કાર્ડ કઢાવેલું હતું. જે હેઠળ રીધમ હોસ્પિટલમાં મારી પત્નીની એન્જીયોગ્રાફી કરી અને બે બ્લોકેજ નસની બાયપાસ સર્જરી કરી, આ તમામ સારવાર આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત મળી રહી તે બદલ હું અને મારો પરીવાર સરકારનો આભાર માનીએ છીએ.