– આરોગ્ય વિભાગ અને લાયન્સ ક્લબ દ્વારા એસ.આર.પી યુનિટ સોકલી ખાતે મેડીકલ કેમ્પ યોજાયો.
વૈશ્વિક મહામારી કોરોના વાયરસ રોગચાળા અંતર્ગત અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકામાં આવશ્યક સેવા ઓની કામગીરી કરી રહેલા કર્મચારીઓની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતીશ મકવાણા અને વિરમગામ પ્રાન્ત ઓફિસર સુરભી ગૌતમના માર્ગદર્શન મુજબ આરોગ્ય વિભાગ દ્વારા બુધવારે આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. S.R.P. યુનિટ સોકલી, વિરમગામ ખાતે લાયન્સ ક્લબ ઓફ વિરમગામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મણીપુરાની ટીમ દ્વારા S.R.P. જવાનો તથા અધિકારીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. કેમ્પમાં આવેલ તમામ લાભાર્થીઓનું ઇન્ફ્રારેડ થર્મલ ગન દ્વારા સ્ક્રિનીંગ કરવામાં આવ્યુ હતુ અને મેડીકલ ઓફિસર દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, “તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી આ બધા કોરોના વાયરસના લક્ષણો છે. નોવેલ કોરોના વાયરસ એ વાઇરસથી થતો એક પ્રકારનો રોગ છે. હવા દ્વારા ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે છે. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢુ ઢાંકવુ, હાથ મિલાવવાના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ.