- ઇન્ડિયન રેડક્રોસ સાસાયટી, દાહોદ ખાતે કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને તેમજ સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિ હેઠળ ડેન્ટલ ક્લિનિક તેમજ પેથોલોજી લેબનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો.
- દાહોદ જિલ્લામાં સિકલસેલ એનિમિયાને લઇને એકબીજાના સહયોગ થકી કામગીરી કરવાની જરૂર છે. – કલેકટર યોગેશ નિરગુડે.
- દાહોદ જિલ્લાને દેશના નકશામાં અંકિત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. – સંસદ જશવંતસિંહ ભાભોર
ઇન્ડિયન રેડક્રોસ સાસાયટી, દાહોદ ખાતે કલેકટર યોગેશ નિરગુડે તેમજ સાંસદ જશવંતસિંહ ભાભોરના વરદ્હસ્તે અધ્યતન સાધનોથી સજ્જ એવા મહંત રામદાસ ડેન્ટલ ક્લિનિક તેમજ ડૉ.બી.એસ. અગ્રવાલ પેથોલોજી લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેનું પંડિત દિન દયાલ ઓડિટરીયમ હોલ, ગોવિંદ નગર ખાતે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, દાહોદ દ્વારા માનવીય અભિગમ હેતુસર વિવિધ આરોગ્ય લક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. જેમાં દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવતા બ્લડને જન સેવા એજ પ્રભુ સેવાના શુભ સંદેશ થકી જરૂરિયાતમંદ સુધી રાહત દરે પહોંચાડવાનું માનવતા વાદી કાર્ય કરવામાં આવે છે. જેમાં મહંત રામદાસ ડેન્ટલ ક્લિનિક તેમજ ડૉ.બી.એસ. અગ્રવાલ પેથોલોજી લેબનું ઉદ્ઘાટ કરીને આજ રોજ એક નવી કાર્યશાળા શરૂ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પંડિત દિન દયાલ ઓડિટરીયમ હોલ, ગોવિંદ નગર ખાતે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દિપ પ્રાગટ્ય કરીને કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દાહોદ રેડક્રોસ સોસાયટીના ચેરમેન ગોપાલભાઈ ધાનકાએ રેડક્રોસ સોસાયટી વિશે માહિતગાર કરતાં સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ સાથે કાર્યક્રમના અધ્યક્ષ તેમજ કલેકટર યોગેશ નિરગુડેએ પ્રેરક ઉદ્દબોધન આપતાં તેમજ લોકોનું આરોગ્ય સચવાઈ રહે તે માટેની શુભકામનાઓ પાઠવતા કહ્યું હતું કે, દાહોદ જિલ્લામાં સિકલસેલ એનિમિયાને પહોંચી વળવા માટે ખાસ ઝુંબેશ આદરી એકબીજાના સહયોગ થકી કામગીરી કરવાની જરૂર છે. દાહોદ જિલ્લો આરોગ્ય ક્ષેત્રે આગળ વધીને કામગીરી કરે તેવા પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. છેવાડાના વધુમાં વધું લોકો સુધી આરોગ્ય લક્ષી સારામાં સારી સારવાર સુવિધા પહોંચે તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે. પ્રાસંગિક પ્રવચન આપતાં સાંસદ જશવંતસિંહ ભાભોરએ વાવાઝોડા દરમ્યાન ચીલાકોટા ગામમાં લાગેલ આગમાં અસર ગ્રસ્ત થયેલા લોકો માટે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, રેડક્રોસ સોસાયટી છેલ્લા ઘણાં વર્ષોથી દાહોદની જનતાની રાહત દરે સેવા આપી રહી છે. દાહોદની સ્થિતિ- પરિસ્થિતિ તેમજ પડકારોને પહોંચી વળવા આપણી સરકાર પણ ક્ટિબદ્ધ છે. દાહોદ માં જ હવે આવનાર સમયમાં બાયપાસ-હાર્ટ સર્જરી કરવાની વ્યવસ્થા થાય તેવા પ્રયત્નો થઇ રહ્યા છે. વિકાસની યાત્રામાં દાહોદ જિલ્લાને દેશના નકશામાં અંકિત કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ દરમ્યાન દાહોદની જનતાની સેવા માટે રેડક્રોસ સોસાયટીમાં પોતાના તરફથી આર્થિક સહાય કરતા દાતાઓનું શાલ તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ, ચેરમેન ગોપાલભાઈ ધાનકા, વાઇસ ચેરમેન, ખજાનચી, માનદ્દમંત્રી, કારોબારી સભ્યો સહિત અન્ય મહાનુભાવો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના અંતે સહમંત્રી સાબિર શેખ દ્વારા આભારવિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.