દાહોદમાં ઉસરવાણ તળાવમાં નાહવા પડેલા ત્રણ વ્યક્તિઓ ડૂબવાનો જિલ્લા કંટ્રોલ રૂમમાં ફોન મળ્યો હતો, જેથી તાત્કાલીક રીતે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, દાહોદના ડી.પી.ઓ. અતુલ પરમાર દ્વારા દાહોદ ફાયર વિભાગના કન્ટ્રોલ રૂમમાં આ બાબતની જાણ કરવામાં આવી હતી.
ફાયર ની ટીમને જાણકારી મળતાં જ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, દાહોદના સ્ટેશન ફાયર ઓફિસર દિપેશ જૈન સહિત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી હતી. ફાયર ડીપાર્ટમેન્ટ દ્વારા શોધ ખોળ કરી તળાવમાં ડૂબેલા ત્રણ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા. તથા ૧૦૮ ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી હતી. ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા તેઓની તપાસણી કરતા ત્રણ વ્યક્તિઓને પાસેના પી.એચ.સી. ખાતે વધુ સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.
હાજર સ્ટાફ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી હતી ત્યારે દાહોદ જિલ્લામાં આવેલ ઉસરવાણ તળાવ ખાતે ચોમાસાની ઋત્તુને ધ્યાનમાં રાખી પૂર સમયે અતિ આધુનિક સાધનો દ્વારા કઈ રીતે બચાવ કામગીરી કરી શકાય તે અંગેની જીલ્લા કક્ષાનું મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું અને આસપાસના રહીશોને પુર સમયે સાવચેતી રાખવા જાણકારી આપી હતી. ત્યાર બાદ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના ડી.પી.ઓ. અતુલ પરમાર દ્વારા મોકડ્રિલ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું.