- કાશ્મીરી, એપલ તેમજ થાઈ એપલ બોરના ૪૦૦ છોડ આસામથી લાવીને પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળ ખેતી કરી.
- બોરની મીઠાશ જ એટલી હોય છે કે, આપણને ખાવા પર મજબુર કરી નાખે છે. એટલો જાદુ આ પ્રાકૃતિક ખેતીમાં રહેલો છે. – મંગળભાઇ ડામોર
સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ બની છે ત્યારે પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર સ્તંભ એવા દેશી ગાયના છાણ અને ગૌ-મુત્રમાંથી ખાતર બનાવીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. ખેતી એ ભારત દેશનો મુખ્ય વ્યવસાય છે, જ્યાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. અનાજ, શાકભાજી, ફૂલો, ફળો સહિત કઠોળ જેવા પાકોની ખેતી કરીને ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
હા, અહી વાત કરીએ છીએ દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના રળીયાતી ગામના પ્રગતિશીલ ખેડૂત મંગળભાઇ ડામોરની. તેઓએ દાહોદ જીલ્લામાં બોરની ખેતીમાં નવી પહેલ કરીને ખેતી ક્ષેત્રે એક નવો ચીલો ચિતર્યો છે. વર્ષ ૨૦૨૧ માં આસામથી મંગાવેલ એપલ, થાઈ એપલ અને કાશ્મીરી બોરના ૪૦૦ જેટલા છોડ પોતાની એક એકર જમીનમાં સરકારનાં બાગાયતી વિભાગની મદદ અને માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી થકી ઉછેરેલ બોરના છોડ આજે અઢળક કમાણી કરાવી રહ્યા છે.
મંગલભાઈ ડામોર પોતાનો પ્રાકૃતિક ખેતીનો અનુભવ જણાવતા કહે છે કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિના ઉપયોગ થકી ખરેખર સારું પરિણામ મેળવી શકાય છે, એક ગાય થકી કુદરતી ખાતર અને ટપક સિંચાઇ ખેતી પદ્ધતિનો ઉપયોગ એ આજના ખેડૂતો માટે એક સારો વિકલ્પ છે, તેનાથી ન માત્ર ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે છે પરંતુ તે આરોગ્ય માટે પણ ફાયદાકારક છે. પ્રાકૃતિક ખેતી એ ખેડૂતો માટે ફાયદા કારક ખેતી છે, જેમાં સારી આવકની સાથો-સાથ જમીન માટે પણ ફળદાયી છે. સારુ પાક ઉત્પાદન મળવાથી સારી કિંમત મળે છે. આર્થિક રીતે સદ્ધર બનવા માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ખુબ જ અનુકુળ અને યોગ્ય પદ્ધતિ છે, જેમાં ખાસ કોઈ ખર્ચ થતો નથી.
બજારમાં મળતા રાસાયણિક ખાતર વડે પકવેલા બોરની સરખામણીએ આ બોરમાં સ્વાદ અને શુદ્ધતા જળવાઈ રહે છે. બોરની મીઠાશ જ એટલી હોય છે કે, આપણને ખાવા પર મજબુર કરી નાખે છે. એટલો જાદુ આ પ્રાકૃતિક ખેતીમાં રહેલો છે. એ સાથે લોકોના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી નીવડે છે. તેને તમે સીધા છોડ પરથી લઈને ખાઈ શકો તેટલા ચોખ્ખા હોય છે, રાસાયણિક ખાતર-દવા કે બિયારણનો ઉપયોગનો જરાય છાંટો નથી. સંપૂર્ણ શુદ્ધ અને ચોખ્ખું બોર મળે છે.
આજના સમયમાં જ્યારે પર્યાવરણ અને લોક સ્વાસ્થ્ય સામે સંકટ ઊભું થયું છે ત્યારે તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવે એ આવશ્યક બની ગયું છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક તેમજ સાધનિક જેવી વિવિધ સહાય સરકારના બાગાયતી, ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા આપવામાં આવી રહી છે.