કતલખાને લઈ જવાના ઇરાદે પિકઅપ ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધી લઈ જવામાં આવતા ₹.૩૬,૦૦૦/- ની કિંમતના કુલ ૦૮ ગૌવંશ ગરબાડા પોલીસે જાંબુઆ ગામેથી ઝડપી પાડી ₹.૧૦,૦૦,૦૦૦/- ની કિંમતની બે પિકઅપ ગાડીઓ સહિત કુલ ₹.૧૦,૩૬,૦૦૦/- નો મુદામાલ ગરબાડા પોલીસે ઝડપી પાડેલ છે. જ્યારે ગૌવંશની હેરફેરી કરનાર બંને પિકઅપ ગાડીઓના ચાલકો ભાગી છૂટવામાં સફળ થયેલ છે.
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, ગરબાડા પોલીસ સ્ટેશનના હેડ કોંસ્ટેબલ નરવતભાઇ નાથાભાઈ તથા બે GRDના સભ્યો ગરબાડા પોલીસ સ્ટેશનના સરકારી વાહનમાં રાત્રિના 10:30 કલાકે નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેમને જાણવા મળેલ કે, જાંબુઆ ગામે તળાવની પાળે બે પીકઅપ ગાડીઓમાં ગાયો ભરીને જઈ રહી હતી અને ગામના માણસોએ આ ગાડીઓ રોકેલ છે તેવી જાણકારી મળતા નરવતભાઇ નાથાભાઈ સરકારી વાહન લઈ જાંબુઆ ગામે તળાવની પાળે ગયેલ અને જોયેલ તો ત્યાં બે સફેદ પીકઅપ ગાડીઓ ઊભી હતી અને ગામના માણસો ઊભા હતા જેથી પોલીસે પીકઅપના ડ્રાઈવર બાબતે પુછતાં ડ્રાઈવર ભાગી ગયેલ છે તેમ ગામલોકોએ જણાવેલ અને અ.હે.કો. નરવતભાઇ નાથાભાઈએ બંને ગાડીઓમાં જોતાં ગાડીઓમે પશુ (ગાય / વાછરડા) ભરેલ હોવાનું જણાતા અને તે ગાડી સાથે તાર બાંધી બીજી પીકઅપ ગાડી ટોચન કરેલ હોય જેથી ગામલોકોની મદદ લઈ બંને પીકઅપ ગાડીઓ ગરબાડા પોલીસ સ્ટેશનમાં લાવી આ બંને પીકઅપ ગાડીઓમાં તપાસ કરતા જીજે – ૨૦ વી – ૭૨૭૧ નંબર લખેલ પીકઅપ ગાડીમાં ૦૫ ગાયો લાલ – સફેદ રંગની તથા ૦૧ ગાય કાળા રંગની તથા લાલ-સફેદ રંગના ૦૨ ગૌવંશ વાછરડા મળી કુલ ૦૮ ગૌવંશ ઘાંસ પાણીની વ્યવસ્થા વગર કતલખાને લઈ જવાના ઇરાદે ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાથી બાંધેલા મળી આવતા ગરબાડા પોલીસે કુલ ₹.૩૬,૦૦૦/-ની કિંમતના ગૌવંશ તથા ₹.૫,૦૦,૦૦૦/- ની કિંમતની પીકઅપ તથા જીજે.૯.ઝેડ.૩૯૪૪ નંબરની ટોચન કરેલ બંધ પીકઅપ જેની કિંમત ₹.૫,૦૦,૦૦૦/- મળી કુલ ₹.૧૦,૩૬,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે લીધેલ છે.
આ બાબતે ગરબાડા પોલીસ સ્ટેશનના અ.હે.કો.નરવતભાઈ નાથાભાઈએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે બંને પિકઅપ ગાડીઓના ચાલકો વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ – ૨૦૧૧ ના નવા સુધારા અધિનિયમ – ૨૦૧૭ ની કલમ-૫ (૧-એ), ૬-એ(૩)(૪), ૮ (૪) તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમ-૧૯૬૦ ની કલમ ૧૧ (૧)(ડી)(ઇ)(એફ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.