- એપ્રિલ અને મે માસ દરમિયાન દરમિયાન ૪૧૬ નોર્મલ ડિલિવરી કરાવાઇ.
- કોમ્પ્લિકેટેડ કેસમાં સફળ પ્રસુતિ કરાવી નવજાત અને માતાને ઉગારી લેવાયા.
લોકડાઉનના સમયગાળા દરમિયાન દાહોદ જિલ્લાના કતવારાના સામુહિક આરોગ્ય કેન્દ્રએ ૪૨ મહિલાઓને મેડિકલ કોમ્પ્લિકેશન ધરાવતી પ્રસુતિ સફળતા પૂર્વક કરાવવામાં આવી છે. જિલ્લામાં કોઇ એક આરોગ્ય કેન્દ્રમાં આટલા પ્રમાણમાં સિઝેરિયન પ્રસુતિ થઇ હોઇ તેવો આ પ્રથમ કિસ્સો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.ડી. પહાડિયાએ જણાવ્યું કે, લોકડાઉનના સમયગાળા દરમિયાન ખાનગી દવાખાનાઓ બંધ હોવાના કારણે સગર્ભા મહિલાઓની આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ દરકાર રાખવામાં આવી છે. લોકડાઉનના એપ્રિલ અને મે માસની કામગીરી જોઇએ તો એપ્રિલ માસ દરમિયાન ૫૫૦ અને મે માસમાં ૮૫૦ સગર્ભા મહિલા ઓને આયર્નના ઇન્જેક્શન આપવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. દાહોદ નગરની નજીક આવેલા કતવાર સામુહિક આરોગ્ય કેન્દ્રની કામગીરી આ લોકડાઉનમાં વિશેષ રહી છે. અહીં સૌથી વધુ પ્રસુતિ અને “સી સેક્શન” પ્રસુતિ કરાવવામાં આવી છે. “સી સેક્શન” ડિલિવરી એટલે કે, નોર્મલ ડિલિવરી થવામાં કોઇ મેડિકલ કોમ્પ્લિકેશન ઉભા થાય છે. જેમ કે, ગર્ભમાં બાળક ઉંધું હોવું, અંદર બાળક પાણી પીતું હોય, બાળકના માથાના બદલે પ્રથમ હાથ આવતા હોય, ગર્ભદ્વાર નાનું હોવા સહિતના પ્રશ્નો હોય છે. આવા સંજોગોમાં માતા અને બાળક, બન્ને ઉપર જોખમ ઉભા થાય છે. પણ, કતવારા સામુહિક આરોગ્ય આવા સંજોગોમાં સફળ પ્રસુતિ કરાવી છે.
કતવારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં માર્ચ માસ દરમિયાન ૨૯૪ સામે ૧૧ “સી સેક્શન” ડિલિવરી હતી. તે એપ્રિલ માસમાં ૨૫૩ નોર્મલ અને ૨૨ સિઝેરિયન ડિલિવરી હતી. મે માસમાં ૧૬૯ નોર્મલ અને ૨૦ સિઝેરિયન ડિલિવરી હતી. જૂન માસમાં અત્યાર સુધીમાં ૬૩ નોર્મલ અને ૯ સિઝેરિયન ડિલિવરી કરાવવામાં આવી છે. સામાન્ય રીતે કોઇ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આટલા પ્રમાણમાં ડિલિવરીની કામગીરી થતી નથી. સી સેક્શન ડિલિવરી સફળતાપૂર્વક કરાવી તબીબોએ માતા અને બાળકનો જીવ બચાવ્યો છે.