કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવનો શુભારંભ દિને એક સંવેદનાત્મક કિસ્સો – પિતાની નોકરી છૂટી જતા વતન પરત ફરેલા દાહોદનાં વિદ્યાર્થીને તુરત શાળા પ્રવેશ સુનિચ્છિત કરાવતા જિલ્લા શિક્ષણાધિકારી
દાહોદ જિલ્લામાં આજે તા.૨૩/૦૬/૨૦૨૨ ને ગુરુવારથી કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવનો શુભારંભ થયો છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલતાનો એક કિસ્સો સામે આવ્યો છે. બન્યું એવું કે જિલ્લા શિક્ષણાધિકારી કાજલબેન દવેએ એક બાળકને ઝાલોદની શાળાની બહાર ઉદાસ બેઠોલો જોયો. તેમણે પૃચ્છા કરતા બાળક અહીંની શાળામાં ધોરણ ૧૦ માં પ્રવેશ માટે આવ્યો હતો. આ બાળકનું નામ હાર્દિક ડામોર. તેના પિતા વડોદરાની એક ફેક્ટરીમાં મજૂરી કામ કરી રોજની કમાણી કરતા. તેઓ ખાસ આર્થિક સ્થિતિને કારણે જ વડોદરા રોકાયા હતા. પરંતુ અચાનક હાર્દિકના પિતાની નોકરી છૂટી જતા તેઓ ઝાલોદ ખાતેના વતન પરત ફર્યા હતા. વતન આવતા જ બીજી અનેક સમસ્યાઓની સાથે હાર્દિકનું ધોરણ ૧૦નુ અતિ મહત્વનું વર્ષ પણ હતું. જે માટે તેઓ અહીંની શાળામાં પ્રવેશ મેળવવા આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી કાજલબેન દવેએ તુરત જ પરિસ્થિતિ પામી ગયા હતા અને હાર્દિકને તુરત એડમીશન આપવા માટેના આદેશો કરતા ગણતરીના સમયમાં જ હાર્દિકને શાળામાં પ્રવેશ મળી ગયો હતો.
હાર્દિક ડામોર આટલી ઝડપથી શાળામાં પ્રવેશ મળી જતા ભાવુક બન્યો હતો અને જિલ્લા શિક્ષણાધિકારીને પોતે પૂરા મન લગાવીને ભણવાની ખાતરી આપી હતી અને ભવિષ્યમાં સારી કારકિર્દી ઘડતર કરી સમાજ માટે કંઇ કરવાની વાત જણાવી હતી.