EDITORIAL DESK – DAHOD
દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુનઃસ્થાપન માટે જરૂરી સૂચનો કરાયા.
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના વોહનીયા દિનેશભાઈ ફતિયાભાઈ, રહે. ૯૭૨૪, પટેલીયાવાડ, સ્મશાન રોડ વિસ્તારના રહીશ પરિવાર મજુરી અર્થે અંકલેશ્વર (ભરૂચ) ખાતે ગયેલ હતા. તેમની ૧૨ વર્ષની સગીર બાળકી બે માસ પહેલા તેની માતાને મળવા માટે અંકલેશ્વર ગામે જવા માટે દાહોદથી ટ્રેનમાં નીકળી હતી પરંતુ તે ત્યાં ન ઉતરતા ભૂલથી બેંગાલુરું (કર્ણાટક) પહોંચી ગઈ હતી. ત્યાં (સાથી” નામની સંસ્થાના વ્યક્તિઓ તેને એકલી જોઇને તેને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, બેંગલુરુંમાં મૂકી હતી. ત્યાં તે બાળકીનું કાઉન્સેલિંગ કરતા બાળકી દાહોદ (ગુજરાત)ની હોવાની જાણ થતા તેઓએ દાહોદ ખાતે જીલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કર્યો હતો. તે બાળકીના પરિવારને શોધવા માટે જણાવેલ. જીલ્લા બાળ સુરક્ષા એકમ, દાહોદની ટીમ દ્વારા તે બાળકીના પરિવારને શોધી તેના દસ્તાવેજો મેળવી બેંગલુરું ખાતે મોકલ્યા હતા. ત્યારબાદ તેઓ બાળકીને પોતાના વતન દાહોદ ખાતે મોકલવામાં વિલંબ કરતા જીલ્લા બાળ સુરક્ષા એકમ, દાહોદની ટીમ દ્વારા કલેકટરશ્રી, દાહોદને આ બાળકીને પરત પોતાના વતનમાં લાવવામાં પડતી મુશ્કેલીઓ વિષે ચર્ચા કરતા કલેકટરશ્રી જે. રંજીથકુમાર સાહેબ દ્વારા બેંગલુરું (કર્ણાટક) ના વહીવટી તંત્ર પોલીસ અને કલેકટર કચેરી તથા ડાયરેક્ટર, મહિલા અને બાળ વિકાસમાં ચર્ચા કરી હતી. ત્યાંથી તેમને ડાયરેક્ટરશ્રી દિવ્યાબેને આ બાબતે બાળકીને પરત પોતાના વતનમાં મોકલી આપવાની તૈયારી દર્શાવી હતી. બાળકીને એસ્કોટ ઓર્ડર આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ થતાં સદર બાળકી આજરોજ મહિલા બાળ કલ્યાણ અધિકારી શ્રીમતી કવિતાબેન ભોજરાજ અને જુવેનાઇલ પોલીસ અધિકારી શ્રીમતી આઇશાબાનુ, બેંગલોરથી તે બાળકીને લઈને દાહોદ ખાતે પહોચ્યા હતા. જિલ્લા સેવા સદન કલેકટરશ્રીની હાજરીમાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, દાહોદના આદેશથી બાળકીને તેના પરિવારને સોપવામાં આવી હતી. વધુમાં બાળકીના કુટુંબની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાનું જાણવા મળતા કલેકટરશ્રીએ તે બાળકીને શિક્ષણ અપાવવા સહિત દાદીને વૃદ્ધ પેન્શન યોજનામાં સહાય ચાલુ કરવા, તે બાળકીના પરિવારને મફત ૧૦-કિલો અનાજની યોજનામાં લાભ મળવા સહિત આવાસ, કુટુંબને સરકારશ્રીની જુદી-જુદી મળવાપાત્ર યોજનાઓનો લાભ મળે તેવી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીશ્રીઓને જણાવવામાં આવ્યું હતું. આમ, જીલ્લા બાળ સુરક્ષા એકમ, દાહોદની ટીમ, ચિલ્ડ્રન હોમના અધિક્ષક તથા વહીવટી તંત્રની હાજરીમાં બાળકીનું પોતાના કુટુંબમાં પુનઃસ્થાપન કરવામાં આવતાં બાળકી અને પરિવારના સભ્યો વચ્ચે આનંદનું વાતાવરણ સર્જાયુ હતુ. માતાની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા.