સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચતા તેમના જીવનમાં વ્યાપક પરિવર્તન આવ્યું –– દંડક રમેશભાઈ કટારા
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન અન્વયે દાહોદમાં સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓના ૧૩ જેટલા લાભાર્થી નાગરિકોને યોજનાઓનો લાભ અપાયો હતો.
દંડક રમેશભાઈ કટારાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારની ફ્લેગશીપ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. આ આઠ વર્ષમાં સરકારે વિવિધ યોજનાઓના સફળ અમલીકરણ થકી યોજનાઓના લાભ શહેરોથી લઈને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો સુધી જનજન સુધી પહોંચતા કર્યા છે.
તેમણે જણાવ્યું કે, રાજ્યમાં સરકારની અનેક ફ્લેગશીપ યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. આવાસ યોજનાની વાત કરીએ તો, રાજ્યમાં અત્યારસુધીમાં ગ્રામીણ વિસ્તારોમાં ૩ લાખ ૭૨ હજાર ૮૬૫ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે પૈકી ૧૪ આદિવાસી જીલ્લાઓમાં જ સૌથી વધુ ૨ લાખ ૯૩ હજાર આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારી તેમજ ચોમાસાના કારણે વિલંબ થયા બાદ એક માસના ટુંકા ગાળામાં અન્ય એક લાખ જેટલા આવાસોને મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે આ કામગીરીનું સઘન મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે અને તેના પરિણામે છેલ્લા થોડાક જ માસમાં ૯૦ હજારથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ શહેરી વિસ્તારોમાં ૬.૨૪ લાખ આવાસો બનાવવામાં આવ્યા છે.
જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના યશસ્વી નેતૃત્વમાં દેશમાં સામાન્ય નાગરિકોની સુખાકારીમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ સામાન્ય માનવી સુધી પહોંચતા તેમના જીવનધોરણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ સહિતના જનપ્રતિનિધિઓ તેમજ નિવાસી અધિક કલેકટર એ.બી. પાંડોર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ સહિતના અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.