THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- નાગરિકોની કોઇપણ પ્રકારની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ.
- તંત્ર દ્વારા રહેવાસીઓને જીવનજરૂરીયાતની વસ્તુઓની હોમ ડીલીવરી કરવામાં આવશે.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભીલવા ગામે નોવેલ કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ ગામથી અન્યત્ર કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય માટે લોકોની અવર-જવર પર પ્રતિબંઘ ફરમાવતું જાહેરનામું કલેક્ટર વિજય ખરાડી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ ગરબાડા તાલુકાના ભીલવા ગામના નદી ફળીયું, બારીયા ફળીયું, ઘંટીખાન ફળીયું, આંબલી ફળીયાના સમગ્ર વિસ્તારને કોવીડ-૧૯ કન્ટેનમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર જવર પર પ્રતિબંઘ મુકવામાં આવ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન અને અન્ય જીવન જરૂરીયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરી કરવામાં આવે છે. આ વિસ્તારમાં વહિવટી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવશે. જેમાં આ વિસ્તારની એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનીગ કરવામાં આવશે. આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. આવશ્યક સેવાઓ – તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન જાવનની પ્રવૃતિઓ ન થાય તે મુજબનું નિયત્રંણ કરવામાં આવશે. જરૂરી બેરીકેટીગ કરવામાં આવશે. કન્ટેનમેન્ટ વિસ્તારમાં એસઓપી અનુસાર સર્વેલન્સ, ટેસ્ટીંગ, સેનીટાઇઝર સહિતની કામગીરી સઘન અભિયાનરૂપે કરવામાં આવશે. આવશ્યક ચીજવસ્તુઓ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં પુરી પાડવાની વ્યવસ્થા તાલુકા વિકાસ અધિકારીએ મામલતદારના સંકલનમાં રહીને કરવાની રહેશે.
આ જાહેરનામું હુકમ તા.૨૦/૦૪/૨૦૨૦ થી તા. ૦૩/૦૫/૨૦૨૦ બંને દિવસો સહિત અમલમાં રહેશે. આ હુકમ સરકારી ફરજ ઉપરનાં અધિકારી-કર્મચારી, સરકારી ખાનગી દવાખાનાના સ્ટાફ, ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા, કાયદો વ્યવસ્થા સાથે જોડાયેલા જાહેર સેવકો તેમજ આવશ્યક સેવાઓ માટે જેમને અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે તમને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ ૫૧ થી ૫૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ ૩૪ અને ધ ગુજરાત એપેડિમિક ડિસિઝ કોવીડ – ૧૯ રેગ્યુલેશન્સ ૨૦૨૦ ની કલમ ૧૧ હેઠળ બહાર પાડવામાં આવ્યું છે.