આ સહાયનો લાભ આપવા બદલ હું સરકારનો આભાર માનું છું. – ડોડીયાર શામજીભાઇ
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચાકીચણા ગામના રહેવાસી ડોડીયાર શામજીભાઇ કીડીયાભાઈ કે જેમના ઘરની પરસ્થિતિ સારી નહોતી. તેઓ પોતે ખેતી પર જ નિર્ભર હતા. એમની પાસે અન્ય કોઈ આવકનું સાધન હતું નહીં. તેઓને પોતાની જ ખેતી કરવા બહારથી ટ્રેકટર બોલાવવું પડતું જેમાં પણ ભાડાપેટે પૈસા આપવા પડતા હતાં. સીઝન મુજબ દર વખતે બહારથી ટ્રેકટર બોલાવવું પડતું જે એમને આર્થિક રીતે પોસાતું નહોતું. તેમના માટે ઘર ચલાવવું, સામાજીક વ્યવહાર સાચવવો અને બાળકોને ભણાવવા આર્થિક રીતે ખુબ જ મુશ્કેલ હતું. ત્યાર બાદ તેમને જાણકારી મળી કે સરકાર ખેતીવાડી વિભાગ દ્વારા ખેતીવાડી એ.જી.આર. – 50 ટ્રેક્ટર માટે આર્થિક સહાય મળે છે. જે યોજના થકી આર્થિક સહાય મળતાં તેઓએ ટ્રેકટર માટે તેમણે અરજી કરી હતી.
આ સહાય યોજના થકી તેમને ઘણી મદદ મળી રહી, આ યોજના તેમને ઘણી ફળદાયી નીવડી. તેઓને સરકાર દ્વારા આર્થિક સહાય મળી જેથી તેઓએ ટ્રેક્ટર ખરીધ્યું. ત્યારબાદ તેઓ પોતાના ઘરની ખેતી કરે છે સાથે ગામમાં અન્ય ખેડૂતોને ત્યા પણ ખેતીકામ કરે છે જેથી તેમને દર ઋતુએ સારી એવી આવક પણ મળી રહે છે. ડોડીયાર શામજીભાઇ પોતાના અનુભવ જણાવતાં કહે છે કે, મે ટ્રેક્ટર લીધા પછી આજે મારા દરેક સામાજિક પ્રસંગો સચવાય છે. ઘરમાં નવી વસ્તુઓ ખરીદવામાં હવે વધારે અડચણ આવતી નથી. ટ્રેક્ટરથી અમને કામ મળતાં અમને સારી આવક પણ મળી રહે છે તેમજ અમારૂ ભરણ-પોષણ સારુ થઇ રહે છે. સાથે ખેતી સારી રીતે થતા હવે આવકમાં પણ વધારો થયો છે.
શામજીભાઈ વધુમાં ઉમેરે છે કે, સરકાર વિવિધ વિભાગો દ્વારા આપણને સહાય આપી મદદ કરી રહી છે, આપણે એ સહાયનો લાભ જરૂર લેવો જોઈએ. આ બધી યોજનાઓ આપણા માટે જ હોય છે, મને આ સહાયનો લાભ આપવા બદલ હું સરકારનો આભાર માનું છું.