પોલીસ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બનેલ બનાવની વિગત એવી છે કે, ગરબાડા નગરમાં રહેતા પંચાલ નિલેશકુમાર બાબુલાલના ડમ્પરનો ચાલક વિનયભાઈ મડુભાઈ અમલીયાર તારીખ 24/12/2018 ના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં પાટાડુંગરી ગામેથી ડમ્પરમાં માટી ભરીને ગરબાડા તરફ આવતો હતો તે દરમિયાન પાટાડુંગર ગામે નદીના પુલ ઉપર આવતા ચાર જેટલા અજાણ્યા ઈસમો આ પુલ ઉપર લાકડી અને પથ્થરો લઈને ઉભા હતા અને તેઓએ ડમ્પરને છુટ્ટા પથ્થરો તથા લાકડીઓ મારી ડમ્પર રોકાવ્યું હતું અને ડમ્પરના ચાલક વિનયભાઈ સાથે મારામારી કરી તેની પાસેથી રૂ।.10000/- કાઢી લીધા હતા.
આ બાબતે ડમ્પરના ચાલક વિનયભાઈએ તેના શેઠ નિલેષ પંચાલને ફોન કરી સમગ્ર ઘટનાની જાણ કરતાં નીલેશભાઈ તથા હિમસિંગ તથા પ્રતિશભાઈ વિગેરે માણસો ઘટના સ્થળે આવી પહોચ્યા ત્યારે લૂટ કરનાર ચાર ઇસમો પૈકી બે ઇસમો નાસી છૂટ્યા હતા જ્યારે પાંદડી ગામના બે ઇસમો નામે ગોરાભાઈ પારૂભાઈ ભાભોર તથા પરથીભાઈ પારુભાઈ ભાભોરને ઝડપી પાડ્યા હતા અને તેઓને ગરબાડા પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.
આ બાબતે ડમ્પરના ચાલક વિનયભાઈ મડુભાઈ અમલીયારે ગરબાડા પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે વિનયભાઈ મડુભાઈ અમલીયારની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.