THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર આજે તા.૨૩/૦૪/૨૦૨૦ ને ગુરુવારના રોજ પાંચવાડા શેલ્ટર હોમ અને P.H.C., ગરબડા C.H.C. ની મુલાકાત લઇ આરોગ્યકર્મીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તથા દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનો અમલ કેવી રીતે થઇ રહ્યો છે તેનું જાત નિરીક્ષણ કરવા માટે આજે તેઓએ ગરબાડા તાલુકાની મુલાકાત લીધી હતી. તેમણે આ મુલાકાત દરમિયાન મધ્યપ્રદેશ સાથેની સરહદ મિનાક્યારની પણ મુલાકાત લીધી હતી. સર્વ પ્રથમ આ બન્ને અધિકારીઓએ પાંચવાડા શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. અહીં આશ્રમ શાળામાં શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે. જ્યાં, ૯૯ પુરુષો અને ૬ સ્ત્રીઓ મળી કુલ ૧૦૫ અંતેવાસીઓ રહે છે. અધિકારીઓએ તેમને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને રસોડાની મુલાકાત લીધી હતી. અંતેવાસીઓએ પણ અહી મળતી સુવિધાઓથી સંતૃષ્ઠિ વ્યક્ત કરી હતી. કલેક્ટર વિજય ખરાડી એ અંતેવાસીઓને સ્વાસ્થ્ય સંબંધી કાળજી રાખવા શીખ આપી હતી. તે બાદ પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી.
તેમણે ગરબાડા રેફરલ હોસ્પિટલની મુલાકાત લઇ આરોગ્ય સ્ટાફ સાથે સંવાદ સાધ્યો હતો. જ્યાં તેમણે દર્દીઓની કેવી રીતે દરકાર લેવામાં આવે છે, તેની માહિતી મેળવી હતી અને કોરોનાના શંકાસ્પદ દર્દીઓને સારવાર માટેના પ્રોટોકોલની માહિતી અપાઇ હતી. જિલ્લા કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે એ બાદ ગરબાડા તાલુકાના ભીલવા ગામની પણ મુલાકાત લીધી હતી. અહીં એક કોરોનાનો દર્દી મળ્યા બાદ આ ગામને ફળિયા વિસ્તાર સહિત કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરી દેવામાં આવ્યું છે. અહીં આરોગ્યલક્ષી કામગીરી કેવી રીતે થાય એ આ બાબતની તેમણે જાત માહિતી મેળવી હતી. બાદમાં મધ્યપ્રદેશ સાથેની સરહદ પર મિના ક્યાર ચેકપોસ્ટની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ મામલતદાર મયંક પટેલ અને નાયબ મામલતદાર હાર્દિક જોશી સાથે જોડાયા હતા.