ગરબાડા તાલુકાના ચંદલા ગામની સીમમાં ચાર અજાણ્યા ઇસમોએ મધ્યપ્રદેશના સેજાવાડા ગામે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા બ્રાન્ચ પોસ્ટ માસ્ટરને આંતરી તેના લમણે તમંચો ટેકવી તેની પાસેથી રોકડા ₹.૬૦,૦૦૦/- લૂંટી લઈ બે મોટર સાઇકલ ઉપર નાસી છૂટેલ છે. આ બાબતે લૂંટનો ભોગ બનનાર ઇસમે આ અજાણ્યા ચાર લુટારુઓ વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસર ફરિયાદ નોંધાવેલ છે.
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, મધ્યપ્રદેશના વરઝર ગામે રહેતા જાવેદખાન અમીરખાન મકરાણી કે જેવો મધ્યપ્રદેશના સેજાવાડા ગામે પોસ્ટ ઓફિસમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવે છે અને તેઓ તા.૧૮/૦૮/૨૦૧૮ શનિવારના રોજ તેમની ડિસ્કવર મોટર સાઇકલ નંબર.GJ-17 AP – 6718 લઈને સવારે આશરે ૦૮:૧૫ વાગ્યાના સુમારે સેજાવાડા ખાતે પોસ્ટ ઓફિસમાં નોકરી ઉપર ગયેલા અને તેમને દાહોદ મુકામે જુના મોબાઇલ લેવા જવાનું હોય તેઓ તેમના ઘરેથી ઘરેથી ₹.૬૦,૦૦૦/- લઇને આવેલા અને તે રૂપિયા લઈને સેજાવાડાથી નીકળી દાહોદ મુકામે અંદાજે ૧૨:૩૦ વાગ્યે ગયા હતા અને દાહોદ ખાતે આવેલ રાજ મોબાઇલની દુકાને ગયા હતા અને ત્યાં જૂના મોબાઈલ નહીં મળતા અને વરસાદી વાતાવરણ હોય તેઓ દુકાન ઉપર રોકાઈ ગયેલ અને સાંજે ૦૫:૩૦ કલાકે તેમની મોટર સાઇકલ લઈને તેમના ઘરે જવા નીકળ્યા હતા તે દરમ્યાન સાંજે ૦૬:૧૫ વાગ્યા ના સુમારે ગરબાડા તાલુકાના ચંદલા ગામની સીમમાં જતાં ચોકડી આગળ એક મોટર સાઇકલ ઉપર બે માણસો બેઠા હતા અને થોડે દૂર બીજી મોટર સાઇકલ ઉપર બીજા બે માણસો બેઠા હતા તેઓ નજીક જતાં આ માણસોએ રોડ વચ્ચે મોટર સાઇકલ આડી ઊભી કરી દેતા જાવેદખાને તેમની મોટર સાઇકલ ઊભી રાખેલ અને તે વખતે ચોકડી ઉપર ઉભેલા બે માણસો મોટર સાઇકલ લઈને જાવેદખાન પાસે આવ્યા હતા અને તે પૈકીના એક ઇસમે તમંચા જેવુ હથિયાર કાઢી જાવેદખાનની પીઠ ઉપર મૂકી ભયનું વાતાવરણ ઊભું કરેલ અને તે પછી તમંચો જાવેદખાનના લમણે ટેકવી પૈસા કાઢ તેમ કહેતા બીજા ત્રણ માણસો મોટર સાઇકલ ઉપરથી નીચે ઉતરી જાવેદખાનના ડાબી બાજુના પેન્ટના ખીસામાં પ્લાસ્ટિક ની થેલીમાં મુકેલ ₹.૪૦,૦૦૦/- હતા તે તથા પેન્ટના પાછળના ખિસ્સામાં પાકીટ હતું તેમાં ₹.૨૦,૦૦૦/- હતા તે તથા પોસ્ટ ઓફિસ, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયાના ATM હતા તે પાકીટ પણ લૂંટી લઈ હવે જતો રહે તેમ કહી આ ચાર અજાણ્યા ઇસમો બંને મોટર સાઇકલ લઈને ચંદલા ગામ તરફ નસી ગયેલ.
આ લૂંટની ઘટના સંદર્ભે જાવેદખાન અમીરખાન મકરાણીએ આ લૂંટ કરનાર અજાણ્યા ચાર ઇસમો વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસર ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.54/18 ઇ.પી.કો.કલમ.392, 114, આર્મ્સ એક્ટ કલમ.25(1) (A) (B) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.