ગરબાડા તાલુકાનાં ખારવા ગામે હાઇવે ઉપર ગત રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં બે મોટર સાઇકલ સામસામે ધડાકાભેર ભટકાતાં બંને મોટર સાઇકલ ચાલકોના ઘટના સ્થળે એરાટીભર્યા મોત નીપજેલ છે. જ્યારે મોટર સાઇકલ પાછળ બેઠેલ એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક દાહોદ દવાખાને મોકલવામાં આવેલ છે. આ બાબતે અકસ્માતમાં ઇજા પામનાર રાજેશભાઈ આનિયાભાઈ ગણાવાની ફરિયાદના આધારે ગરબાડા પોલિસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને અકસ્માતમાં મોતને ભેટનાર બંને ઈસમોની ડેડબોડીને પીએમ માટે મોકલેલ હતી.
પોલિસ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, તારીખ.૦૯/૦૨/૨૦૧૬ ના રોજ રાત્રિના ૮:૦૦ વાગ્યાના અરસામાં ગરબાડા તાલુકાના ખારવા ગામે હાઇવે રોડ ઉપર દાહોદના બોરખેડાના વિજયભાઈ રામસિંગભાઈ માવી પોતાનાં કબ્જાની મોટર સાઇકલ નંબર.GJ.20.P.4981 ઉપર ગરબાડાના ભીલવા ગામના નિશાળ ફળીયામાં રહેતા રાજેશભાઈ અનિયાભાઇ ગણાવાને પાછળ બેસાડી દાહોદ તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન દાહોદ તરફથી નાંદવા ગામના ગોલુભાઈ ધુળાભાઈ ગોહિલ મોટર સાઇકલ નંબર.GJ.20.Q.0931હંકારીને લાવતા હતા. આ બંને મોટર સાઇકલ ખારવા ગામે હાઇવે રોડ ઉપર એકાએક સામસામે આવી જતાં ધડાકાભેર ભટકાતાં બંને મોટર સાઇકલ ચાલકો વિજયભાઈ રામસિંગભાઈ માવી તથા ગોલુભાઈ ધુળાભાઈ ગોહિલનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજેલ હતું. જ્યારે મોટર સાઇકલ પાછળ બેઠેલા રાજેશભાઈ અનિયાભાઇ ગણાવાને આ અકસ્માતમાં ઇજાઓ થતાં તેમણે તાત્કાલિક 108 મારફતે દાહોદ દવાખાને મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માતની ગરબાડા પોલિસને જાણ થતાં ગરબાડા પોલિસ તત્કાલીક ઘટના સ્થળે આવી અકસ્માતમાં મોતને ભેટનાર બંને ઈસમોની ડેડબોડીને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.
આ બાબતે અકસ્માતમાં ઇજા પામનાર રાજેશભાઈ આનિયાભાઈ ગણાવાએ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફર્સ્ટ.ગુ.ર.નં.૧૨/૧૬ ઇ.પી.કો.કલમ.૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪.અ, એમ.વી.એક્ટ. ૧૭૭, ૧૮૪ મુજબ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ અકસ્માતના પગલે ગરબાડા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.