દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આંબલી ખજુરીયા ગામે સાત વર્ષ અગાઉ અંગત અદાવતના ઝગડામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જેની અદાવત રાખી આંબલી ખજુરીયા ગામમાં ૬ જેટલા ઈસમોએ ગામમાં ધિંગાણુ મચાવી તીરકામઠા, બંદુક, લાકડીઓ જેવા મારક હથિયારો સાથે ઘસી આવી ત્રણ જેટલા વ્યક્તિઓને જીવલેણ ઈજાઓ પહોંચાડી તથા એક ઇસમે તેની પાસેની બંદુકમાંથી ફાયરીંગ કરી વડવા ગામના ૩૫ વર્ષીય યુવકને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બનતા ગરબાડા પંથક સહિત દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ દાહોદ જિલ્લાના ઉચ્ચ પોલિસ અધિકારીઓને થતાં તેઓ પણ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસે મૃતકની લાશને પીએમ માટે દાહોદ સીવીલ ખાતે મોકલી આપી આ ઘટનાને અંજામ આપનાર ઇસમોને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, ગરબાડા તાલુકાના વડવા ગામે કટારા ફળિયામાં રહેતા નગરાભાઈ વશનાભાઈ કટારા કે જેઓ આજ તા.૦૭/૦૪/૨૦૨૦ ને મંગળવારના રોજ સવારના આઠેક વાગ્યે આંબલી ગામે રહેતી તેની ફોઈ કનાબેનના ઘરે પૈસા લેવા જવા માટે પગપાળા નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં મીનામા ફળિયામાં ઝઘડો ચાલતો હોઇ જેથી નગરાભાઇ ખાડા ફળિયામાં ગોપસીંગ પલાસના ઘરે રોકાઈ ગયા હતા. તે દરમ્યાન સાડા દસેક વાગ્યાના અરસામાં ખજુરિયા ગામના દિલીપભાઈ નવલાભાઈ પલાસ, મોતીભાઈ જોરસીંગભાઈ પલાસ, મુકેશભાઈ ધીરીયાભાઈ પલાસ, જવાભાઈ કુબેરભાઈ પલાસ, નરેશભાઈ મસુલભાઈ મીનામા અને દિનેશભાઈ મસુલભાઈ મીનામા નાઓએ તીરકામઠા, બંદુક વિગેરે લઈ ગામમાં આવ્યા હતા અને જુના ઝગડાની અદાવત રાખી વિનુભાઈ ભાવલાભાઈ પલાસ તથા પપ્પુ ભાવલાભાઈ પલાસના ઘરો બાજુ ગયેલા અને તેમની સાથે મારામારી કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. બાદમાં આ છ ઈસમો હાથમાં હથિયારો સાથે ગોપસીંગ કાળીયાભાઈ ના ઘર તરફ આવતા ગોપસીંગ કાળીયા તેની પત્ની સાથે ત્યાંથી નાસી ગયેલ તે દરમ્યાન વડવા ગામના નગરાભાઈ કટારા ગોપસીંગ પલાસના ઘર આગળ ઢાળિયા નીચે ખાટલામાં બેઠો હતો તે પણ ભાગવા જતા મોતીભાઈ જોરસિંગ પાલસે તેમજ મુકેશભાઈ ધીરીયા પાલસે નગરાભાઈને પકડી રાખેલ અને દિલીપ નવલા પલાસે તેની પાસેની બંદુકથી નગરાભાઈ ઉપર ફાયરીંગ કરતાં નગરાભાઈ નીચે પડી ગયા અને બંદુકના છરા શરીરે વાગતા તેમને ગંભીર ઈજા પહોંચતા નગરાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ અને આ બનાવ બાદ આ છ ઈસમો ઘટના સ્થળેથી હથિયાર સાથે ભાગી ગયા હતા.
આ બનાવ સંદર્ભે મૃતક નગરાભાઈના કાકા નામે વજેસીંગભાઈ સુરતાનભાઈ કટારાએ ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જેસાવાડા પોલીસે આ છ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.