ફાગણ સુદ પૂનમના હોળી પર્વ બાદ મંગળવારે છઠના રોજ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે અનેક માન્યતાઓ સાથે જોડાયેલો ગોળ ગધેડાનો મેળો ભરાયો હતો. તેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ સહીત સ્થાનીક લોકો ઉમટી પડ્યા હતા. બપોરના એક કલાકે ગોળ ગધેડાના મેળાનો આરંભ થયો હતો. મહિલાઓ અને યુવતીઓ ગોળ ગધેડા ફરતે ચમચમતી સોટીઓ લઇ ગીતો ગાતી જોવા મળી હતી. જે યુવાન ગોળની પોટલી બાંધેલ થાંભલે ચઢવાનો પ્રયત્ન કરતો હતો. તેને સોટીઓનો માર મારી અને ઉપર ચઢતા અટકાવતા જોવા મળ્યા.
સ્વયંવર પ્રથાની સાથે જોડાયેલા મેળાને માણવા માટે હજારોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડ્યું હતું. આમલી અગિયારસના મેળાથી જ દાહોદ જિલ્લામાં મેળાઓની સીઝન પુર બહારમાં ચાલી રહી છે. અને લોકો વિવિધ મેળાઓની મઝા માણી રહ્યા છે. ત્યારે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે સુપ્રસિદ્ધ ગોળ ગધેડાનો મેળો યોજાયો હતો. જેમાં યુવતીઓની સોટીઓનો માર ખાતા જઈને અનેક યુવકોએ થાંભલા ઉપર ચડીને ગોળની પોટલી પાડવાની કોશિશ કરી હતી.
આ ગોળ ગધેડાનાં મેળામાં ચમચમતી સોટીઓ લઇ અને નાચતી મહિલાઓ અને યુવતીઓ આકર્ષણનુ કેન્દ્ર બની હતી. ત્યારે આ મહિલાઓની અને યુવતીઓની સોટીઓનો માર ખાતા ખાતા જેસાવાડા ગામના જ કટારા પરિવારનો યુવાન નિલેષ કટારા થાંભલે ચડી ગોળની પોટલી ઉતારવા સફળ થઈ જતાં તે વિજેતા બનતા ઉપસ્થિત નાગરીકોએ તેને વધાવી લીધો હતો.