PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામના પડાવ ફળીયામાં ડુંગરાળ વિસ્તારમાં ઢોરો ચારવતા બે સગીર ભાઈઓ ઉપર કડાકા સાથે વીજળી પડી હતી. જેમાં નવ વર્ષીય નાના ભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું, જ્યારે અગીયાર વર્ષીય મોટા ભાઈને પગમાં સામાન્ય વીજળીનો ઝટકો લગતા તેને ગરબાડા સરકારી દવાખાને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. આ દુ:ખદ ઘટના બનતા મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ જવા પામેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામના પડાવ ફળીયામાં રહેતા રમેશભાઈ બારીયાના બે સગીર પુત્રો હતા અને આ બંને પુત્રો ધોરણ-૪ માં અભ્યાસ કરતાં હતા. આ બંને પુત્રો જેમાં અગીયાર વર્ષીય મોટો પુત્ર સુરેશ બારીયા તથા નવ વર્ષીય નાનો પુત્ર પરેશ બારીયા આજરોજ તારીખ.૨૧/૦૮/૨૦૧૭ ના રોજ બપોરના સમયે પોતાના ઢોરો ચરાવવા નજીકના ડુંગરાળ વિસ્તારમાં ગયા હતા અને ઢોરો ચારવતા હતા તે દરમ્યાન બપોરના બે થી અઢી વાગ્યા અરસામાં અચાનક કડાકાભેર વીજળી આ બંને ભાઈઓ ઉપર પડતાં આ બંને ભાઈઓ કઈ સમજે તે પહેલા જ નવ વર્ષીય પરેશભાઈનું ઘટના સ્થળે મોત નીપજયું હતું જ્યારે અગિયાર વર્ષીય સુરેશભાઈને પગના ભાગે વીજળીનો સાધારણ ઝાટકો લાગતા તેને સામાન્ય ઇજા પહોંચતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ વાન બોલાવી સુરેશભાઈને ગરબાડા સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા.
આ ઘટના બનતા ગરબાડા તાલુકા વિકાસ અધિકારી એ.એ.મકરાણી, ગરબાડા મામલતદાર ડી.એમ.મહાકાળ, નાયબ મામલતદાર ડી.કે.પરમાર, તથા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળે ઘસી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.