PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે ખેતરમાં પાણી મૂકવા ગયેલ ૪૦ વર્ષીય યુવક રાત્રિના સમયે કૂવામાં પડી જતાં તેનું પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજેલ છે અને મૃતકની લાશને ગરબાડા સરકારી દવાખાને પોસ્ટમર્ટમ માટે મોકલી આપેલ છે. આ બાબતે મૃતકની પત્નીએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામે તારીખ.૧૩/૦૧/૨૦૧૮ ના રોજ સાંજના છએક વાગ્યે ૪૦ વર્ષીય મણીલાલ રામાભાઈ ચૌહાણ તેમની પત્ની સાથે તેમના મકાઇના વાવેતરવાળા ખેતરમાં પાણી મૂકવા ગયેલા અને તેમના કુટુંબી ભત્રીજા શૈલેષભાઈ ચૌહાણના કૂવા ઉપર મશીન મુકેલ હોય મણીલાલે તે મશીન ચાલુ કરી ખેતરમાં પાણી વાળેલ અને રાત્રીના આઠેક વાગ્યે પાણી ફરી જતાં મણીલાલે તેમની પત્નીને કહેલ કે, હું મશીન બંધ કરીને આવું છું, તું ઘરે જા તેમ કહેતા તેમની પત્ની ઘરે ગયેલ અને મણીલાલ તેમના ઘરે પાછો આવ્યો ન હતો. જેથી તેમની પત્નીએ મણીલાલને બૂમો પાડી બોલાવેલ પરંતુ મણીલાલનો કોઈ જવાબ નહીં મળતા તેમની પત્ની તેમના ભત્રીજા વિપુલ સાથે કૂવા ઉપર જોવા ગયેલ તો મશીન બંધ થઈ ગયેલ હતું અને મશીનની ઉપર પ્લાસ્ટિકની પાઇપ નીકળી ગયેલ હતી જેથી બેટરી મારી કૂવામાં તેમજ આજુબાજુ જોતા મણીલાલ જોવા મળેલ નહીં. જેથી તેમની પત્ની તેના ભત્રીજા સાથે ઘરે પાછી આવી તેમના કુટુંબી જેઠ બદુભાઈને વાત કરતા તેઓ તથા બીજા માણસો મણીલાલની તપાસ કરવા ગયેલ પરંતુ મણીલાલ મળી આવેલ નહીં જેથી તેઓ ઘરે પાછા આવતા રહેલ.
આજ તારીખ.૧૪/૦૧/૨૦૧૮ ના રોજ મણીલાલની પત્ની પ્રેમિલાબેન, બદુભાઇ ચૌહાણ, વિપુલભાઈ, રાકેશભાઈ તથા બીજા માણસો કૂવા ઉપર જોવા ગયેલા પરંતુ મણીલાલ કૂવાના પાણીમાં જોવા નહીં મળતા મશીન ચાલુ કરી કૂવામાંથી પાણી બહાર કાઢેલ તે પછી કૂવામાં પાણી ઓછું થઈ જતાં મણીલાલની લાશ કૂવામાં જોવા મળતા નરેશભાઈ પલાસ તથા રાકેશભાઈ ચૌહાણનાઓ ખાટલાને દોરડું બાંધી કૂવામાં ઉતરેલ અને કૂવામાંથી મણીલાલની લાશ કાઢેલ જે લાશને જોતાં ડાબી આંખની પાસે લમણા ભાગે તથા ડાબા ગાલ ઉપર હોટ પાસે તથા ડાબા પગના નળા ઉપર તથા પંજા તથા ડાબા કાન પાસે તથા બંને હાથના પંજાની ચામડી સફેદ થઈ ગયેલ હતી તેમજ લોહી નીકળેલ હતું અને માથામાં પાછળના ભાગે ચામડી ફાટી લોહી નીકળેલ હતું જેથી મૃતકના કુટુંબીજનો તથા ઘરના માણસો મળી મણીલાલની લાશને પોસ્ટમર્ટમ માટે ગરબાડા સરકારી દવાખાને લઈ ગયેલ.
આ બાબતે મૃતક મણીલાલ રામાભાઈ ચૌહાણની પત્ની નામે પ્રેમિલાબેને ગરબાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં ગરબાડા પો.સ્ટે.અ.મોત.નં.૦૩/૧૮ સીઆરપીસી કલમ.૧૭૪ મુજબ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.