- નવ વર્ષીય બાળક સહીત સાહેઠ વર્ષીય આધેડ ઉપર પણ દીપડાનો હુમલો.
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે આજે સવારમાં અચાનક દીપડો આવી ચઢતા આ દીપડાએ સાહેઠ વર્ષીય આધેડ તથા એક નવ વર્ષીય બાળક ઉપર હુમલો કર્યો હતો અને મોડી સાંજ સુધીમાં આ દીપડાએ બીજા ચાર ઇસમો ઉપર પણ હુમલો કરતાં નઢેલાવ ગામમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામેલ છે અને દીપડાના હુમલાથી ઇજાગ્રસ્ત થયેલ છ ઇસમોને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના કાંગણી ફળીયામાં આજે સવારે ૦૮:૩૦ વાગ્યાના સુમારે કોતર પાસેથી સાહેઠ વર્ષીય મેડા મોજીભાઈ હીરાભાઈ ત્યાથી પસાર થઈ રહ્યા હતા તે સમયે નઢેલાવ ગામે આવી પહોચેલા દીપડાએ કોતરમાંથી નીકળી અચાનક મેડા મોજીભાઈ હીરાભાઈ ઉપર હુમલો કર્યો હતો અને અચાનક દીપડાના હુમલાથી હેબતાઈ જતાં મોજીભાઈએ બૂમાબૂમ કરતા નજીકના ઘરોમાંથી માણસો દોડી આવતા માણસોની કિકિયારીઓથી દીપડો મોજીભાઈને છોડીને ભાગી ગયો હતો અને આગળ જઈ એક નવ વર્ષીય બાળક ભાભોર રોહિતભાઈ હિતુભાઈ ઉપર પણ આ દીપડાએ હુમલો કર્યો હતો પરંતુ ગામમાંથી માણસો દોડી આવતા આ દીપડો નજીકના કોતરમાં જતો રહ્યો હતો. ગામ લોકોએ બંને ઇજા ગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા અને ગરબાડા વન વિભાગને આ બાબતની જાણ કરતાં વન વિભાગના કર્મચારીઓ પણ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. દીપડો હજી કોતરમાં જ છે તેવું ગામ લોકોએ જણાવતા વન વિભાગના કર્મચારીઓએ દીપડાની શોધખોળ આદરી હતી અને ગામ લોકોને કોતરથી દુર રહેવા સૂચના આપવામાં આવી હતી અને જ્યાં સુધી કોતરમાંથી દિપડો જાય નહીં ત્યાં સુધી.વન વિભાગના સ્ટાફ બંને ઇજાગ્રસ્તોની માહિતી એકઠી કરી ઉપલી કક્ષાએ જાણ કરી હતી.
જાણવા મળ્યા મળ્યા મુજબ ફરી આ દીપડાએ સાંજના અંદાજે ૦૪:૪૫ વાગ્યાના સુમારે બીજા ચાર ઇસમો નામે નિકેશભાઈ મેડા, ચેતનભાઈ મેડા, વિજયભાઈ મેડા તથા જવસીંગ ભુરીયા ઉપર પણ હુમલો કર્યો હોવાનુ જાણવા મળેલ છે અને આ ચારેય ઇસમોને પણ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હોવાનુ જાણવા મળેલ છે અને અચાનક દીપડાના હુમલાથી ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો હતો.