PRIYANK CHAUHAN – GARBADA
ગરબાડા તાલુકાના પાંચવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવાવડ કરાવવા આવેલી મહિલાનું પ્રસૂતિ થતાં પહેલા જ તેના ગર્ભમાં રહેલા બાળક સહિત પ્રસૂતાનું મોત નિપજતા મૃતક મહિલાના પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામેલ. આ બનાવ સંબંધી મૃતક મહિલાની સાસુ દ્વારા હાલ ગરબાડા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરીયાદ નોંધાવવામાં આવેલ છે.
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, ગરબાડા તાલુકાના પાંચવાડા ગામના પંચાયત ફળીયામાં રહેતા ગંગાબેન નેવાભાઈ પરમાર તેમના કુટુંબ સાથે રહે છે અને તેમના સંતાનમાં ત્રણ છોકરા છે. તેમના છોકરા મુકેશભાઇના લગ્ન ઝરી-ખરેલી ગામે રહેતા કશનાભાઈ સોમજીભાઇ નળવાયાની પુત્રી સરલાબેન સાથે સાત વર્ષ અગાઉ થયેલ છે. સરલાબેનને અગાઉ ત્રણ બાળકો જન્મતા જે મરણ પામેલ છે અને હાલમાં સરલાબેનની ચોથી ડિલિવરી હોય સરલાબેનની દવા સારવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા ખાતે ચાલતી હતી.
ગત રોજ તારીખ.૧૪/૦૬/૨૦૧૭ ના રોજ સવારના આશરે આઠેક વાગ્યાના સુમારે સરલાબેનને પેટમાં દુખાવો ઊપડતાં અને તે ડિલિવરીનો દુખાવો હોય જેથી સરલાબેને તેમની સાસુ ગંગાબેનને વાત કરતાં ગંગાબેન તથા સરલાબેનના પતિ મુકેશભાઇએ ૧૦૮ મોબાઈલ વાન બોલાવી આશરે પોણા નવ વાગ્યાના સુમારે સરલાબેનને પાંચવાડા સરકારી દવાખાને લઈ ગયેલ. દવાખાનામાં ડોક્ટર હાજર ન હોવાથી સ્ટાફ નર્સોએ સરલાબેનને દાખલ કરી તેમના સ્ટાફના માણસોએ સારવાર કરી ભૂમિબેન, શિલાબેન, માજુભાઈ, સુમાભાઈ વિગેરે માણસોએ સરલાબેનની સુવાવડ કરાવવા માટે કોશિશ કરેલ પણ સુવાવડ થઈ નહીં. જેથી આ સ્ટાફના માણસો ત્યાથી જતાં રહેલ અને નર્સ સ્ટાફે સારવાર ચાલુ રાખેલ તે દરમ્યાન પાંચવાડાના મેડીકલ ઓફીસર હિરલબેન આશરે સાડા નવ વાગ્યાના સુમારે દવાખાને આવેલા અને તેઓએ સરલાબેનની તપાસ કરી કહેલ કે, આ સરલાબેનનું મરણ થયેલ છે તેવી વાત કરતાં સરલાબેનના સાસુ તથા સરલાબેનના પતિએ આ બનાવની જાણ તેમના કુટુંબીજનોને કરતાં તેમના કુટુંબીજનો પણ દવાખાનામાં આવી જતાં સરલાબેનની સાસુએ તેઓને જણાવેલ કે, સરલાના પેટમાં બાળક છે તે બાળક પણ સરલાની સાથે મરણ ગયેલ છે તેવું જણાવતા આ બનાવના પગલે કુટુંબીજનો દ્વારા હોબાળા બાદ મૃતક સરલાબેનની સાસુ દ્વારા હાલ ગરબાડા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત બાબતની જાણવાજોગ ફરીયાદ નોંધાવવામાં આવેલ છે.
ગરબાડા પોલીસે મૃતક સરલાબેનની સાસુ ગંગાબેનની ફરીયાદના આધારે ગરબાડા પો.સ્ટે. અ.મોત.નં.૧૧/૧૭ સીઆરપીસી કલમ.૧૭૪ મુજબ નોંધ કરી મૃતક સરલાબેનની લાશને દાહોદ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.