Priyank Chauhan
આજ રોજ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનાં ભીલવા ગામે ત્રણ વ્યક્તિઓએ ભેગા મળી તેમના કુટુંબી પતિપત્ની ઉપર ડાકણ સંબંધી વહેમ રાખી ઝગડો કરી પતિપત્ની સહિત તેમની ૩૫ વર્ષીય ગર્ભવતી પુત્રીને માર મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજેલ છે જ્યારે મરણ જનારની પત્ની તથા પુત્રીને ઇજાઓ થતાં સારવાર અર્થે દવાખાને લઈ જતાં મરણ જનારની પત્નીનું પણ મોત નિપજેલ છે તથા મરણ જનારની પુત્રી દવાખાને સારવાર હેઠળ છે. આ ઘટના સંદર્ભે મૃતક દંપતીની પુત્રી નામે શારદાબેન રાજુભાઇ મોહણીયાએ આ કુટુંબી ત્રણેય ઇસમો વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે. આ ઘટના સંદર્ભે ગરબાડા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
જાણવા મળ્યા મુજબ, મરનાર કનુભાઈ સેંગુભાઈ સંગાડીયાના કાકાના દિકરા નાથીયાભાઈનો દીકરો બદીયાભાઈ ફળીયામાં રહે છે. બદીયાભાઈના કાકાના દીકરા કાળુભાઇના પુત્રનું સપ્ટેમ્બરમાં માંદગીના લીધે મોત થયું હતું. જે મોત બાબતે બદીયાભાઈ તથા શૈલેષભાઈ કાળુભાઇ તથા કળીયાભાઈ ફતાભાઇએ તેમના કુટુંબી કનુભાઈ સેંગુભાઈ સંગાડીયા તથા તેમની પત્ની જેનાબેન ઉપર તમે બંને ડાકણ છો તેવો વહેમ રાખી તેમની સાથે ઝગડો કરી કનુભાઈ સેંગુભાઈ સંગાડીયા તથા તેમની પત્ની જેનાબેન તથા તેમની ૩૫ વર્ષીય ગર્ભવતી પુત્રીને માર મારેલ જેમાં કનુભાઈ સેંગુભાઈ સંગાડીયાને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજેલ છે જ્યારે જેનાબેનને પણ લાકડું મારી ફેકચર કરી જીવલેણ ઇજાઓ થતાં સારવાર અર્થે દવાખાને લઈ જતાં જેનાબેનનું પણ મોત નીપજતાં આ બંને પતિપત્નીની લાશને પીએમ અર્થે ગરબાડા સરકારી દવાખાને લઈ જવામાં આવેલ છે અને પુત્રી નામે શારદાબેનને લાતો મારી ઇજાઓ થતાં સારવાર અર્થે દવાખાને દાખલ કરેલ છે.
પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ બનાવની વિગત એવી છે કે, આજરોજ તારીખ.૧૯/૧૦/૨૦૧૬ ના રોજ સવારે ૮:૦૦ કલાકે ગરબાડા તાલુકાના ભીલવા ગામે ભીલવા ગામના રહીશ બદીયાભાઈ નાથાભાઈ સંગાડા, શૈલેષભાઈ કાળુભાઇ સંગાડા તથા કાળીયાભાઈ ફતાભાઈ સંગાડાઓએ ભેગા મળી શારદાબેનના પિતા કનુભાઈ સેગાભાઈ સંગાડીયાને ગમેતેમ માં-બેન સમાણી ગાળો બોલી કહેલ કે, તું ડાકણો છે, તે કૈલાશ કાળુ સંગાડાને મેલી વિઘ્યા કરી દીધેલ હોવાથી એક મહિના પહેલા કૈલાશ મરણ ગયેલ છે અને હવે તું અમારા ઘરોમાં સાપ મૂકે છે તેમ કહી બદીયાભાઈ નાથાભાઈ સંગાડાએ તેના હાથમાની લાકડીથી શારદાબેનના પિતા કનુભાઈને માથામા મારતા કનુભાઈનું સ્થળ ઉપર મોત નિપજાવી દીધેલ તેમજ શારદાબેનની માં નામે જેનાબેન છોડાવવા વચ્ચે પડતાં બદીયાભાઈ નાથાભાઈ સંગાડાએ જેનાબેનને લાકડું મારી ફેકચર કરી શરીરે જીવલેણ ઇજાઓ કરતાં દવા સારવાર માટે લઈ જતાં મોત થયેલ છે તેમજ ફરિયાદી શારદાબેનને પણ લાતો મારી ઇજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપેલ છે.
આ બાબતે મૃત્યુ પામનાર દંપતીની પુત્રી નામે શારદાબેન રાજુભાઇ મોહણીયાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં બદીયાભાઈ નાથાભાઈ સંગાડા, શૈલેષભાઈ કાળુભાઇ સંગાડા તથા કાળીયાભાઈ ફતાભાઈ સંગાડા વિરુદ્ધ ફરીયાદ આપતા ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૯૧/૧૬ ઇ.પી.કો.૩૦૨,૩૨૩,૫૦૪,૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ.૧૩૫ મુજબ આ ત્રણેય ઇસમો વિરુદ્ધ ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.