PRIYANK CHAUHAN – GARBADA
દાહોદ જિલ્લામાં વસતા આદિવાસી સમાજમાં હોળીના તહેવારનું અનેરું મહત્વ હોય છે અને તેમાય હોળી પૂર્વે આવતી આમળી અગીયારસનુ ગરબાડા તાલુકામાં વસતા ભીલ સમાજના લોકોમાં વિશેષ મહત્વ છે. અહિના ભીલ સમાજના લોકો આખા વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તેમના સ્વજનોની અસ્થિ (ફુલો)ને બારમા તેરમાના દિવસે અસ્થિ વિસર્જન કરવાના બદલે તેમના ખેતરમાં કે તેમના ઘરનાં આંગણામાં અથવા તો કોઇ ઝાડ નીચે ખાડો ખોદી માટીની કુલડીમાં મૂકી તેને દાટી દેતા હોય છે જેમાં સ્ત્રીના અસ્થિ હોય તો લાલ કપડામા અને પુરૂષના અસ્થિ હોય તો સફેદ કપડામાં બાંધી તેને દાટી દેતા હોય છે.
અમુક લોકો આમળી અગીયારસનાં બે દિવસ પહેલા એટલે કે નોમની સાંજના જ્યારે મોટા ભાગના લોકો દશમની સાંજના સમયે તેમના કુટંબીજનોને તેમજ તેમના સગાં સંબંધીઓને બોલાવી કુલડીમાં મૂકી દાટી દીધેલ અસ્થિઓ બહાર કાઢે છે અને ઘરમાં દુધ, પાણી તથા હળદર વડે તેમના મૃત સ્વજનોની અસ્થિઓની પૂજા કરે છે અને ફરીથી તે અસ્થિઓને કપડાંમાં બાંધી તેમના ઘરનાં આંગણામાં લટકાવી દે છે અને આમળી અગીયારસની વહેલી સવારે રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડમાં તેમના મૃત સ્વજનના અસ્થિઓનું ભીમકુંડમાં વિસર્જન કરવામાં આવે છે અને આખા વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તેમના સ્વજનોની અસ્થિઓનું ભીમકુંડમાં વિસર્જન કરવા રામડુંગરા ખાતે આવેલ ભીમકુંડ ઉપર મોટી સંખ્યામાં ભીલ સમાજનાં લોકો એકત્ર થાય છે.
ગરબાડા તાલુકાનાં ભીલ સમાજના લોકોમાં આખા વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા તેમના સ્વજનોની અસ્થિ(ફુલો) ને આમળી અગીયારસના દિવસે વજતે ગજતે ભીમકુંડામાં વિસર્જન કરવાની તેમની વર્ષોથી ચાલતી આવતી પ્રથા આજે પણ યથાવત છે. જે તસ્વીરમાં નજરે પડે છે.