- જંગલમાંથી શિકાર કરવા આવેલો દીપડો રાત્રીના સમયે સૂકા કૂવામાં ખાબક્યો હતો સાથે સાથે રાત્રીના સમયે બિલાડી પણ આજ કૂવામાં ખાબકી હતી તેમ છતાં દીપડાએ અત્યાર સુધી બિલાડી ઉપર હુમલો કર્યો ન હતો.
- બે માસ અગાઉ ગરબાડા તાલુકાના નઢેલાવ ગામમાં દિપડાએ છ લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. તે બાબત ધ્યાનમાં રાખીને ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા રાત્રીના સમયે દીપડાને રેસ્ક્યુ કરાશે.
ગત રાત્રીના સમયે જંગલ વિસ્તારમાંથી શિકારની શોધમાં એક દીપડો ગરબાડા તાલુકાના ભે ગામના ભાગોળ ફળીયામાં આવી પહોંચ્યો હતો અને અંધારામાં આ દીપડો આજ ફળીયામાં આવેલા ૩૦ થી ૩૫ ફૂટ જેટલા ઊંડા પાણી વગરના અવાવરૂ કુવામાં ખાબકયો હતો અને તે જ રાત્રીએ એક બિલાડી પણ આજ કૂવામાં પડી હતી. આજે સવારમાં આસપાસના ઘરોના લોકોએ દીપડાની ત્રાડ સાંભળતા કૂવામાં તપાસ કરતા કુવામાં દિપડો પડેલ જોવા મળતા ગ્રામજનો દ્વારા ગરબાડા ફોરેસ્ટ વિભાગમાં જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સાવચેતીના ભાગરૂપે લોકોને કૂવાથી દૂર રહેવા લોકટોળાને સૂચના આપી સવારથી ત્યાં જ રોકાયેલા છે.
દીપડો અન્ય લોકો ઉપર હુમલો ન કરે કે નજીકના ઘરોના ઘૂસી ન જાય તે માટે દિવસભર તેને કૂવામાં જ રહેવા દીધો છે અને સાથે સાથે ફોરેસ્ટ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે ખડે પગે હાજર છે. દીપડો કૂવામાં પડવાની વાત પંથકમાં વાયુવેગે પ્રસરતા લોકોના ટોળે ટોળા કુતૂહલવશ થઈને દીપડાને જોવા માટે સ્થળ ઉપર ઉમટ્યા હતા જેને લઈને ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓએ લોકોને સમજાવીને સ્થળ પરથી દૂર ખસેડયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ માસની ૦૬ તારીખે ગરબાડા તાલુકા નઢેલાવ ગામમાં દીપડાએ છ લોકો ઉપર હુમલો કર્યો હતો જેથી નઢેલાવ જેવી ઘટના ફરીથી ન બને તે બાબતને ધ્યાનમાં રાખીને ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા રાત્રીના અંદાજે ૦૯:૦૦ થી ૧૦:૦૦ વાગ્યાના અરસામાં નજીકમાં રહેતા તમામ લોકોના ઘરો બંધ કરાવી કૂવામાં સીડી ઉતારી દીપડાને રેસ્ક્યુ કરવામાં આવશે તેવું ગરબાડા ના R.F.O. એમ.એન. બારીઆએ જણાવ્યું હતું.