PRIYANK CHAUHAN – GARBADA
આજરોજ ચૈત્ર સુદ પૂનમ એટલે મર્યાદા પુરુસોત્તમ ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા ધરતી પરના સાત ચિરંજીવો પૈકી અજરઅમર શ્રી હનુમાન દાદાની જન્મ તિથી એટલે હનુમાન જયંતીનું પાવન પર્વ હોવાથી ગરબાડા હનુમાનજી મંદિરે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક ભાવના તથા ઉત્સાહ સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને હનુમાન જયંતીને અનુલક્ષીને હનુમાનદાદાને પણ નયનરમ્ય ચોળો ચડાવવામાં આવ્યો હતો અને હનુમાનજી મંદિરને આસોપાલવ તથા આંબાના પાનના તોરણ તથા રંગબેરંગી રોશની કરી વિશેષ શણગારવામાં આવ્યું હતું.
હનુમાન દાદાના દર્શન કરવા વહેલી સવારથી સાંજ સુધી ભક્તજનોનો હનુમાનજી મંદિરમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો અને મંદિરમાં સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા તથા સાંજના સમયે આરતી તથા મહાપ્રસાદી (ભંડારા) પણ આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉત્સાહભેર લ્હાવો લીધો હતો. આ વર્ષે હનુમાન જયંતિ મંગળવારના દિવસે હોવાથી ભક્તજનોમાં આનંદ બેવડાયો હતો.
હનુમાન જયંતીને અનુલક્ષીને ગરબાડા નગરના ઉત્સાહી યુવાનો દ્વારા ગરબાડા ગામમાં બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે ચાર વાગ્યે બાઇક રેલી ગરબાડા ગામમાં નીકાળવામાં આવી હતી અને ત્યાર બાદ ગરબાડા નગરના ઉત્સાહી યુવાનો દ્વારા ગાંગરડી ગામમાં પણ બાઇક રેલી નીકાળવામાં આવી હતી જે બાઇક રેલી ગરબાડા તથા ગાંગરડી ગામમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ગરબાડા તાલુકામાં હનુમાનજીના અન્ય મંદિરોમાં પણ હનુમાન જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.