PRIYANK CHAUHAN – GARBADA
ગત તા.૩૧/૦૩/૨૦૧૮ના શનિવારના રોજ ચૈત્ર સુદ પૂનમ એટલે મર્યાદા પુરુસોત્તમ ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા ધરતી પરના સાત ચિરંજીવો પૈકી અજરઅમર શ્રી હનુમાન દાદાની જન્મ તિથિ એટલે હનુમાન મહોત્સવનો પાવન પર્વ હોવાથી ગરબાડા હનુમાનજી મંદિરે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક ભાવના તથા ઉત્સાહ સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને હનુમાનજી જન્મ મહોત્સવને અનુલક્ષીને હનુમાનદાદાને નયનરમ્ય ચોળો ચડાવવા માં આવ્યો હતો અને હનુમાનજી મંદિરને આસોપાલવ તથા આંબાના પાનના તોરણ તથા રંગબેરંગી રોશની કરી વિશેષ શણગારવામાં આવ્યું હતું.
હનુમાન દાદાના દર્શન કરવા વહેલી સવારથી સાંજ સુધી ભક્તજનોનો હનુમાનજી મંદિરમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો અને મંદિરમાં હનુમાન ચાલીસાના સમૂહમાં પાઠ કરવામાં આવ્યા હતા તથા બપોરના સમયે સુંદરકાંડ, ભજન તથા સાંજના સમયે આરતી તથા મહાપ્રસાદી (ભંડારા) પણ આયોજન કરવામાં આવ્યું હતું જે મોડી રાત સુધી ચાલ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉત્સાહભેર લ્હાવો લીધો હતો. આ વર્ષે હનુમાન જયંતિ અને શનિવારનો સમન્વય હોવાથી ભક્તજનોમાં આનંદ બેવડાયો હતો. હનુમાનજી જન્મ મહોત્સવને અનુલક્ષીને ગરબાડા નગરના ઉત્સાહી યુવાનો દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાડા ગામમાં બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે ડી.જે. સાથે બાઇક રેલી ગરબાડા ગામમાં નીકાળવામાં આવી હતી જે બાઇક રેલી ગરબાડા ગામમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ગાંગરડી, સાહડા, દેવધા તથા ગરબાડા તાલુકામાં હનુમાનજીના અન્ય મંદિરોમાં પણ હનુમાન જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું