NewsTok24 – Priyank Chauhan – Garbada
ગરબાડા તાલુકા પંચાયતનાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી આજ તારીખ ૨૨/૧૨/૨૦૧૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે ભારે રસાકસી તથા ચુસ્ત પોલિસ બંદોબસ્ત વચ્ચે ગરબાડા તાલુકા પંચાયત ઓફિસ ખાતે યોજાયેલ હતી.
પ્રમુખ પદને લઈને કોંગ્રેસમાં અંદરો અંદર અસંતોષ થતાં કોંગ્રેસ પક્ષ તરફથી કોંગ્રેસનાં ભુરિયા વિણાબેન લાલુભાઈ તથા ભાભોર ઉષાબેન શૈલેષભાઈ બંનેએ પ્રમુખ માટે દાવેદારી નોંધાવી હતી તથા ઉપપ્રમુખ માટે કોંગ્રેસ તરફથી કોંગ્રેસનાં ભુરિયા લાલચંદભાઈ નાથિયાભાઈએ તથા ભાજપ તરફથી ભાજપના પરમાર મહેશ ચુનીલાલનાએ ઉપપ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી હતી.
જેની ચૂંટણી આજરોજ થતાં જેમાં પ્રમુખ પદ માટે ભુરિયા વિણાબેન લાલુભાઈને ૨૪ માંથી ૧૧ મત મળેલ હતા જ્યારે ભાભોર ઉષાબેન શૈલેષભાઈને ૧૩ મત મળતા ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
તેવીજ રીતે ઉપપ્રમુખ માટે ભાજપના પરમાર મહેશ ચુનીલાલને ૨૪ માંથી ૧૧ મત મળેલ હતા જ્યારે કોંગ્રેસનાં ભુરિયા લાલચંદભાઈ નાથીયાભાઈને ૧૩ મત મળતા ગરબાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.
આમ, ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નઢેલાવ-૧ સીટ ઉપર કોંગ્રેસના વિજેતા તા.સભ્ય ભાભોર ઉષાબેન શૈલેષભાઈની તથા ઉપપ્રમુખ તરીકે ભે સીટ ઉપર કોંગ્રેસના વિજેતા તા.સભ્ય ભુરિયા લાલચંદભાઈ નાથીયાભાઈની વરણી થયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગરબાડા તાલુકા પંચાયતમાં છેલ્લી બે ટર્મથી ભાજપનું શાસન હતું. આ વખતની તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને પછાડી કોંગ્રેસે સત્તા કબ્જે કરી લીધી છે. ગરબાડા તાલુકા પંચાયતની કમાન જ્યારે હવે કોંગ્રેસના હાથમાં આવી છે ત્યારે એક વાત તો નિશ્ચિત છે કે ગરબાડા તાલુકામાં રાજકારણનું સમીકરણ બદલાશે.