PRIYANK CHAUHAN – GARBADA
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા પંચાયતમાં કરાર આધારીત તાલુકા કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા કર્મચારી દ્વારા શૌચાલય યોજનામાં નાણાકીય ઉચાપત કર્યાંની આશંકાએ ગરબાડા તાલુકા વિકાસ અધિકારીએ આ કર્મચારી વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગરબાડા તાલુકા પંચાયતમાં તારીખ.૧૩/૦૬/૨૦૧૩ થી તારીખ.૨૩/૦૨/૨૦૧૭ સુધી કરાર આધારીત તાલુકા કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા રોઝ સંજયકુમાર દલસીંગનાએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) શાખામાં ગરબાડા તાલુકાના દરેક ગામોના લાભાર્થીઓ (B.L.S.) યાદી મુજબ શૌચાલયો બનાવવાની સ્કીમમાં ચુકવણા વાઉચરો મુજબના ફોર્મ રજૂ નહીં કરી ફોર્મ ગેરવલ્લે કરી સરકારશ્રીમાં બિનઅધિકૃત ખર્ચ પાડી નાણાં ઉપાડી લઈ ઉચાપત કરેલ હોય આ બાબતે ગરબાડા તાલુકા વિકાસ અધિકારીએ ગરબાડા તાલુકા પંચાયતમાં તાલુકા કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા રોઝ સંજયકુમાર દલસીંગ વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં લેખીતમાં ફરીયાદ આપેલ છે.
આ બાબતે ગરબાડા પોલીસે તાલુકા વિકાસ અધિકારી મકરાણી અબ્દુલસમદ અબ્દુલગફુરની લેખીત ફરીયાદના આધારે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૫૪/૧૭ ઇ.પી.કો.કલમ. ૪૦૮, ૪૦૯ મુજબ રોઝ સંજયકુમાર દલસીંગ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.
જો ખરેખર ગરબાડા તાલુકા પંચાયતમાં તાલુકા કો.ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા કર્મચારી દ્વારા શૌચાલય યોજનામાં નાણાંની ઉચાપત કરવામાં આવી હોય તો તેની તટસ્થ તપાસ કરી તેની સાથે બીજા કોણ કોણ વ્યક્તિઓ સામેલ છે તેની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. જેથી કરી આવા કૌભાંડીઓને ખુલ્લા પાડી શકાય.
ગરબાડા તાલુકા પંચાયતમાં થયેલ શૌચાલય કૌભાંડ ખરેખર બહાર આવશે કે પછી ઢાકપિછોડો કરી તેને દબાવી દેવામાં આવશે તે તો આવનાર સમય જ બતાવશે. અગાઉ પણ ગરબાડા તાલુકામાં શૌચાલય કૌભાંડ થયું હોવાના સમાચાર પત્રમાં સમાચાર પ્રસિદ્ધ થયા હતા પણ તેની કોઈપણ જાતની તપાસ કર્યા વિના ઢાકપીછોડો કરી દબાવી દેવામાં આવ્યું હતું.
જો તટસ્થ તપાસ કરવામાં આવે તો ગરબાડા તાલુકા પંચાયતના બીજા કેટલાય કૌભાડ બહાર આવે તેમ છે.