Wednesday, January 1, 2025
Google search engine
HomeGarbada - ગરબાડા ગરબાડા તાલુકો બન્યાને ૧૮ વર્ષ જેટલો સમય થયો તેમ છતાં આજે પણ...

 ગરબાડા તાલુકો બન્યાને ૧૮ વર્ષ જેટલો સમય થયો તેમ છતાં આજે પણ પાયાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત (exclusive report)

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank Chauhan – Garbada ( SPEICAL REPORT )

 ગરબાડા તાલુકો મધ્યપ્રદેશ રાજ્યને અડીને આવેલ આદિવાસી બહુમૂલ્ય ધરાવતો અતિ પછાત તાલુકો છે. ગરબાડાને તાલુકાનો દરજ્જો મળ્યાને આશરે ૧૮ વર્ષ જેટલો સમય થયો તેમ છતાં પણ ગરબાડા તાલુકાનો તથા તાલુકા મથક હોવા છતાં પણ ગરબાડા ગામનો કોઈપણ જાતનો વિકાસ આજદિન સુધી થયેલ નથી. વિકાસ તો દૂરની વાત પણ અહિયાં પાયાની પ્રાથમિક સુવિધાનો સદંતર અભાવ છે. ફક્ત લોકોનું Standard of living જ ઊચું આવ્યું છે પણ વિકાસની દ્રષ્ટિએ ગરબાડા તાલુકો અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે.

          એક તરફ સરકાર ડિજિટલ ઈન્ડિયા, ડિજિટલ ગુજરાત, ગતિશીલ ગુજરાત,સ્માર્ટ વિલેજ જેવા ગુણબાંગો પોકારતી હોય છે પણ વાસ્તવિકતા કઈ અલગ જ છે અને વિકાસની વાતો કરતી સરકાર છેવાડાના પછાત એવા ગરબાડા તાલુકાની અવગણના જ કરે છે. 

HONDA NAVIRahul Motors —— HONDA ” NAVI”

(૧)    પાણી :      

          પાણીની વાત કરીયે તો ગરબાડામાં પાણી તથા પીવાના પાણી માટેનું કોઈ નક્કર આયોજન નથી કે અહિયાં પાણી માટેની કોઈ મોટી યોજના કે જુથ યોજના નથી. ગરબાડા નગરને પીવાનું પાણી પૂરું પાડવા માટે મોહણખોબ તળાવ આધારિત પાણી પુરવઠા યોજના આશરે રૂપિયા એક કરોડ ઉપરાંતના ખર્ચે બનાવવામાં આવી પરંતુ આ યોજના છ વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં પણ આ યોજના આજદિન સુધી પૂર્ણ થઈ શકી નથી અને આ યોજના આજે પણ અધૂરી છે. મોહણખોબ તળાવનું પાણી પીવા લાયક નથી અને સીધું તળાવનું ડોહળું અને દુર્ગંધ મારતું પાણી નગરજનોને અનિયમિત મળે છે. ફિલ્ટર પ્લાન્ટના અભાવના કારણે લોકોને ન છૂટકે પીવાના પાણીના ડબ્બા અથવા રૂપિયા 300 થી 400 ખર્ચી ટેન્કર મારફતે પાણી ખરીદવું પડે છે. જરૂરી સ્થળોએ હેન્ડપંપનો અભાવ જોવા મળે છે અને જ્યાં હેન્ડપંપ છે ત્યાં તથા કૂવાઓમાં પાણીના સ્તર નીચા હોવાના કારણે બિનઉપયોગી પુરવાર થાય છે. તથા સિંચાઇ માટે પાણી તથા નહેરની પૂરતી વ્યવસ્થા આજદિન સુધી થઈ શકી નથી.

          મોહણખોબ પાણી પુરવઠા યોજના છેલ્લા પંદરેક દિવસથી સદંતર બંધ છે જેના કારણે ગરબાડાના નગરજનોને પાણી માટે રૂપિયા ૩૦૦ થી ૪૦૦ ખર્ચીને ટેન્કર દ્વારા પાણી ખરીદવું પડી રહ્યું છે.

(૨)    આરોગ્ય લક્ષી સેવાઓ :   

          આરોગ્ય લક્ષી સેવાઓની વાત કરીયે તો ગરબાડા તાલુકા મથકમાં ખાનગી દવાખાના સિવાય કોઈ સરકારી દવાખાનાની સુવિધા ઉપલબ્ધ નથી. રાત્રિના સમય દરમ્યાન આરોગ્ય લક્ષી સેવાનો બિલકુલ અભાવ છે. સીએચસી કેન્દ્ર ગરબાડા ગામથી આશરે ચારેક કિમી દૂર નવાફળિયા મુકામે એકાંત વિસ્તાર બનાવેલ હોવાથી રાત્રિના સમયે ત્યાં જવા માટે  કોઈ વાહન મળતા નથી જેથી દર્દીઓ ત્યાં જવાનું ટાળે છે. તથા ગરબાડા ગામનો હાલમાં મિનાકયાર પીએચસી સેન્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે મિનાકયાર પીએચસી સેન્ટર પણ ગરબાડા ગામથી આશરે આઠથી નવ કિમી દૂર ઊંડાણ વિસ્તારમાં બનાવેલ છે ત્યાં પણ જવા આવવા માટે રાત્રિ સમય દરમ્યાન કોઈ વાહનની સગવડ નથી. ગરબાડા ખાતે ઓપીડી સેન્ટર શરૂ કરવાની માંગણી વર્ષોથી કરવામાં આવે છે તેમ છતાં ગરબાડામાં ઓપીડી શરૂ કરવામાં આવતું નથી અને તે બાબતે દુર્લક્ષતા સેવવામાં આવે છે.

(૩)    રસ્તા :

          આજથી આશરે ચારેક વર્ષ અગાઉ ગરબાડા ગામતળમાં ભૂગર્ભ ગટર યોજનામાં ખોદી નાંખવામાં આવેલ તમામ રસ્તાઓ આજદિન સુધી નવા બનાવેલ નથી. ઉબડ ખાબડ રસ્તા હોવાથી તેની ધુળ ઊડવાના કારણે લોકોનું સ્વાસ્થ્ય જોખમાય છે તથા ઉબડખાબડ રસ્તાઓને કારણે નાનામોટા વાહન ચાલકોને દિન પ્રતિદિન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

(૪)    ગટર/ ભૂગર્ભ ગટર/ જાહેર સુખાકારી   :

          ગટરોની સફાઈની અનિયમિતતાના કારણે ગટરો દુર્ગંધ મારે છે અને મચ્છરોનો ઉપદ્રવ દિન પ્રતિદિન વધતો જાય છે અને ગટરોમાં દવાનો છંટકાવ પણ અનિયમિત કરવામાં કરવામાં આવે છે. ઘન કચરાનો નિકાલ પણ નિયમિત રીતે થતો નથી.

          અંદાજિત આઠ કરોડ જેટલી માતબર રકમની ભૂગર્ભ ગટર યોજનાને પણ આશરે ચારેક વર્ષ જેટલો સમય થવા આવ્યો તેમ છતાં આ યોજના આજે પણ અધૂરી છે.

          ગરબાડા તાલુકા મથકનું ગામ હોવા છતાં અહિયાં જાહેર સુખાકારીનો અભાવ છે, ગરબાડામાં જરૂરી સ્થળે જાહેર મુતરડી કે શૌચાલય પણ બનાવવામાં આવ્યા નથી તથા ગરબાડાના તળાવના ઘાટ ઉપર કે તળાવની પાળ ઉપર પણ તથા તળાવની અંદરની વનસ્પતિની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી.

          ગરબાડાના પાણી પુરવઠાની ટાંકીની પણ સફાઈ આજદિન સુધી કરવામાં આવી નથી. જેની સફાઈ કરવી પણ અત્યંત જરૂરી છે તથા ગરબાડા નદીમાં પણ સફાઈનો અભાવ જોવા મળે છે.

          ગરબાડા તાલુકો મથક હોવા છતાં પણ આહિયા લોકોને હરવા ફરવા માટે કોઈ બાગ બગીચા પણ આજદિન સુધી બનાવવામાં આવ્યા નથી.

(૫)    બસ સ્ટેશન/ વાહન વ્યવહાર  :

          ગરબાડાને તાલુકાનો દરજ્જો મળ્યાંને આશરે અઢાર વર્ષ જેટલો સમય થયો તેમ છતાં ગરબાડામાં બસ સ્ટેશન કે પિકઅપ સ્ટેન્ડ આજદિન સુધી બનાવવામાં આવ્યું નથી. જેના કારણે મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બસ સ્ટેન્ડના અભાવના કારણે મુસાફરોનો ઉનાળાની ધોમધખતા તાપમાં તથા ચોમાસાના વરસતા વરસાદમાં ક્યાં ઊભા રહેવું એ એક મોટો પ્રશ્ન છે અને બસ સ્ટેશન કે પિકઅપ સ્ટેન્ડના અભાવના કારણે બસો બારોબાર બાયપાસથી હાઇવે ઉપર પસાર થઈ જતી હોય છે.

          ગરબાડા તાલુકા મથક દાહોદથી ફક્ત સતર કિમી દૂર ને.હાઇવે ઉપર હોવા છતાં સાબરકાંઠા, બનાસકાંઠા તથા રાજસ્થાનને સાંકળતી એકપણ બસની સગવડ આજદિન સુધી આપવામાં આવી નથી કે દાહોદથી લંબાવવામાં આવી નથી. અને દાહોદ-ગરબાડા વચ્ચે માત્ર ગણતરીની જ લોકલ બસો ચાલે છે.

(૬)    સંદેશાવ્યવહાર :

          ગરબાડા BSNL દ્વારા પૂરી પાડવામાં આવતી લેન્ડલાઇન, બ્રોડબૈંડ તથા મોબાઇલ સેવા અત્યંત કથળેલી છે. વારંવાર નેટવર્ક ખોરવાઈ જવાના કારણે લોકોને આર્થિક તથા સામજીક વ્યવહાર તથા સરકારી કામોમાં તેની ભારે અસર પડે છે.BSNL ના ગ્રાહકો દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા તેની અવગણના કરવામાં આવે છે.

(૭)    બેન્કિંગ :    

          ગરબાડા તાલુકા મથક હોવા છતાં અહિયાં માત્ર એકજ રાષ્ટ્રીયકૃત બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક કાર્યરત છે. જેમાં ગ્રાહકોનો ભારે ઘસારો રહે છે તેમ છતાં પણ અહિયાં બીજી કોઈ રાષ્ટ્રીયકૃત બેન્ક આજદિન સુધી શરૂ કરવામાં આવેલ નથી.  તથા તાલુકા મથક હોવા છતાં બેન્કો દ્વારા આજદિન સુધી ATM મશીન મૂકવામાં આવ્યા નથી.

(૮)    ટ્રેઝરી ઓફિસ :

          ગરબાડાને તાલુકો બન્યાને આશરે અઢાર વર્ષ જેટલો સમય થયો તેમ છતાં ગરબાડામાં ટ્રેઝરી ઓફિસ આજદિન સુધી શરૂ કરવામાં આવી નથી. જેથી લોકોને ચલણ ભરવા દાહોદ સુધી લંબાવવું પડે છે જેના કારણે લોકોના નાણાં અને સમયનો ખોટો વ્યય થાય છે. 

          આમ, આવી તો અનેક સમસ્યાથી ઘેરાયેલો ગરબાડા તાલુકો વિકાસની દ્રષ્ટિએ બિલકુલ શૂન્ય છે. ગરબાડાનો વિકાસ થશે કે કેમ એ તો આવનાર સમય જ બતાવશે પણ આવનાર સમયમાં હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments