ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓના પરિણામોમાં ગ્રામીણ વિસ્તારોમાં લાગેલી પછડાટ બાદ ભાજપ રાજયના ગરીબોની કાળજી રાખવામાં કોઇ કસર બાકી રાખવા માંગતુ નથી. ભાજપ સરકાર હવે એ બાબતની વ્યવસ્થા કરવામાં લાગી છે કે, રાજયમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ભુખ્યા સુવુ ન પડે.
આ પહેલા રાજય સરકાર અગાઉની યુપીએ સરકારના ખાદ્ય સુરક્ષા કાનૂનને લાગુ કરવામાં ઠાગાઠૈયા કરતી હતી. હાલમાં જ ગુજરાત સરકારે આ અધિનિયમને લાગુ કરતા પહેલા રાજય સરકારને એનએફએસ સર્વે કરાવવા માટે આપેલી સમય સીમાને માર્ચ-2016થી આગળ વધારવાની પરવાનગી માંગી હતી.
સ્થાનિક ચૂંટણીઓના પરિણામો બાદ હવે લાગે છે કે, ભાજપ સરકાર રાજયમાં રહેતા લગભગ 3.50 કરોડ ગરીબોને જાન્યુ.2016થી 2 કિલોના દરે ચોખા અને ઘઉં આપવાની તૈયારીમાં છે. ગુજરાતના નાગરિક પુરવઠા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યુ હતુ કે, સર્વેનું કામ 90 ટકા પુરૂ થઇ ગયુ છે. અમે આ એકટને જાન્યુઆરી 2016 પહેલા કદાચ લાગુ કરી દેશુ. હવે વધુ સમય નથી જોઇતો.
નાગરિક પુરવઠા વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે એકટને લાગુ કરવાની પ્રક્રિયાને વેગવંતી બનાવવાના આદેશો જારી થયા છે. સરકાર હવે દાળને ગરીબોની થાળીનું મહત્વનું અંગ ગણવા પણ વિચાર કરી રહી છે. ખાદ્ય એકટ લાગુ થયા બાદ બચેલી રકમથી ગરીબો માટે સસ્તાદરે દાળ આપવાની પણ યોજના છે. પીડીએસ હેઠળ ૧.૩ કરોડ ગરીબોને ફાયદો થાય છે હવે આ એકટ બાદ રાજયના 3.5 કરોડ ગરીબોને લાભ થશે. ગરીબી રેખાની નીચેના લોકોની સાથે-સાથે તેની ઉપર ગણાતા ગરીબોને પણ લાભ થશે.