THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આહ્વાનથી પ્રેરાઇ સરપંચ બાળકોને સુપોષિત કરવા માટે સંકલ્પબદ્ધ થયા
ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ નો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દાહોદ જિલ્લાથી પ્રારંભ કર્યો છે ત્યારે સરકારી અધિકારીઓ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ સહિત કુલ મળી ૧૦૪૭ પાલક વાલી દાહોદ જિલ્લાના ૬૦૦૦ થી વધુ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે સંકલ્પિત થયા છે. જિલ્લાના આંગણવાડી કાર્યકરો પણ મુખ્યમંત્રીના આહ્વાનથી ખૂબ જ ઉત્સાહમાં છે અને જિલ્લાને સુપોષિત કરવા માટે નિર્ધાર વ્યકત કર્યો છે.
દાહોદના ખરેડી ગામના સરપંચ રાજેન્દ્રભાઇએ પાંચ કુપોષિત બાળકોને દત્તક લીધા છે. તેમણે પોતાનો સંકલ્પ વ્યકત કરતા જણાવ્યું હતું કે, આ પાંચે બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવા હું નિયમિત રીતે તેમની મુલાકાત લઇશ અને એક પાલક વાલી તરીકે નિષ્ઠાપૂર્વક તેમને સ્વસ્થ્ય કરવા માટેની જવાબદારી બજાવીશ. મુખ્યમંત્રીએ પાલક વાલી તરીકેની સમજાવેલી ભૂમીકા કાળજીપૂર્વક નિભાવીશ.
દાહોદના બોરડી ઇનામી દૂધમંડળીના સંચાલક શ્રીમતિ અંજના રાઠોડે બાળકોને સુપોષિત કરવા માટે દત્તક લીધા છે. તેમણે જણાવ્યું હતું કે, બાળકોમાં કુપોષણ એ સૌથી મોટું દૂષણ છે. રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું પોષણ અભિયાન ખૂબ પ્રેરણાદાયી છે. માટે જ મે સમાજ પ્રત્યેની મારી જવાબદારીને સમજતા કુપોષિત બાળકોને દત્તક લીધા છે.
દાહોદના આંગણવાડી કાર્યકર જશુબેને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીએ અમને કુપોષણ બાબતે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ સુપોષિત આંગણવાડી જાહેર થનાર આંગણવાડી કાર્યકરને રૂ. ૧૨ હજાર, તેડાગર બહેનને રૂ. ૬ હજાર, આશા વર્કર અને એએનએમ વર્કરને રૂ. ૧૨-૧૨ હજારનો પુરસ્કારની જાહેરાત કરી છે તે ખૂબ પ્રોત્સાહક છે. અમે દાહોદ જિલ્લાને કુપોષણ મુક્ત કરવા નિર્ધાર કર્યો છે.
દાહોદ જિલ્લાનાં ૯ તાલુકાઓમાં કુલ ૬૯૬ ગામો છે. અને I.C.D.S. ના ૨૧ ઘટકોમાં ૩૦૫૬ આંગણવાડીઓ કાર્યરત છે. આ ૨૧ ઘટકોમાં ૧૬ C.D.P.O. અને ૧૦૦ મુખ્ય સેવિકાઓ કાર્યરત છે. આખા જિલ્લામાં ૩૦૧૬ આંગણવાડી કાર્યકર અને ૨૮૨૮ તેડાગર કામગીરી બજાવી રહ્યા છે. વર્ષ ૨૦૧૧માં અતિકુપોષિત બાળકોની સંખ્યા ૧૩૯૭૩ હતી. તે ઘટીને ડિસેમ્બર ૨૦૧૯માં ૬૧૧૬ બાળકો થઇ છે ત્યારે દાહોદ જિલ્લાને કુપોષણ મુક્ત કરવા સંકલ્પબદ્ધ થયા છે.