લોકશાહીના પ્રહરી બનતા દાહોદ સ્માર્ટ સીટીના સ્માર્ટ પોલ : નગરજનોને વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા પ્રેરી રહ્યાં છે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે દાહોદ જિલ્લાના સ્માર્ટ સીટી દાહોદના સ્માર્ટ પોલ લોકશાહીના પ્રહરી બન્યા છે. દાહોદનાં નગરજનોને આ સ્માર્ટ પોલ લોકશાહીના અવસરને અવશ્ય ઝડપી લઇ મતદાન કરવા માટેનો સંદેશો આપી રહ્યાં છે. દાહોદ નગરનાં નાગરિકોને જાગૃત મતદાતા બનવા સાથે આ સ્માર્ટ પોલ મતદાનની તારીખ સહિતની ચૂંટણીલક્ષી વિવિધ માહિતી આપવાની કામગીરી સ્માર્ટ રીતે કરી રહ્યાં છે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત દાહોદનાં જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં મતદાતાઓને જાગૃત કરવા માટે મતદાર જાગૃતતા અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃતિ કરાઇ રહી છે ત્યારે સ્માર્ટ સીટી દાહોદમાં લાગેલા સ્માર્ટ પોલ સ્માર્ટ રીતે નગરજનોને મતદાન કરવા પ્રેરી રહ્યાં છે. સાથે વિધાનસભાની સામાન્ય ચૂંટણીની મતદાનની તારીખ સહિતની વિવિધ વિગતો પણ આ સ્માર્ટ પોલ આપી રહ્યાં છે.
સ્માર્ટ પોલ થકી નગરજનોને વિવિધ સૂત્રો થકી જાગૃત કરવામાં આવી રહ્યાં છે. જેમાં આપનો વોટ, આપની તાકાત, મતદાન આપણી પવિત્ર ફરજ છે, મતદાનથી જ દેશનો વિકાસ, મતદાન લોકશાહીનો પ્રાણ, અવસર અનોખા ગુજરાતનો – અવસર, આપણા સૌનો – અવસર ગુજરાત વિધાનસભા ચૂંટણીનો – અવસર લોકશાહીનો, મારો મત – મારૂ ભવિષ્ય, તમારૂં મતદાન લોકતંત્રનો પ્રાણ, લોકશાહીનું મૂલ્ય ચૂકવો, મતદાન માટે આગળ વધો, કરો પ્રયત્ન ઝાઝા, છૂટે નહી એક પણ મતદાતા, યુવા શક્તિ કે તીન હે કામ – શિક્ષા, સેવા ઓર મતદાન, મને જોઇએ જો મારો હક, નિભાવવી પડે મારી ફરજ જેવા અસરદાર સૂત્રો દ્વારા નગરજનોને મતદાન કરવા માટે ઇજન અપાઇ રહ્યું છે.
દાહોદ જિલ્લાની ચૂંટણી પ્રક્રિયા બીજા તબક્કામાં યોજાશે. તેમજ મતદાનની તા. ૦૫/૧૨/૨૦૨૨ છે ત્યારે જિલ્લાના નાગરિકોને અવશ્ય મતદાન કરવા માટે મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત સઘન કામગીરી કરાઇ રહી છે.