દેશના વિકાસ માટે પ્રથમ ગામડાઓને સમૃધ્ધ અને મજબૂત બનાવવા કેન્દ્ર સરકારનો દૃઢ નિર્ધાર છે. ગ્રામ સભાએ ગ્રામિણ ક્ષેત્રના વિકાસ માટેનું મહત્વનું પરિબળ છે.
ચીલાકોટા વિસ્તારમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૨૦ કરોડના વિકાસ કામો પૂર્ણ કરાયા છે. : કેન્દ્રીય રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર
જિલ્લાની ૮ સમરસ ગ્રામ પંચાયતોના સરપંચોનું કેન્દ્રીય રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે સન્માન.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પૂર્ણ થયેલ આવાસોની ચાવી લાભાર્થીઓને અર્પણ કરતાં રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર
દાહોદ જિલ્લામાં ૧૪ મી એપ્રિલ-૨૦૧૮ થી ર્ડા.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ થી તા. ૫/૫/૨૦૧૮ સુધી રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન ચાલી રહયું છે. આ ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ જિલ્લાના લીમખેડા તાલુકાના ઊંડાણના આદિવાસી વિસ્તાર ચીલાકોટા ખાતે પંચાયતી રાજ દિવસની ઉજવણી ભારત સરકારના આદિજાતિ બાબતોના રાજયમંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને ચીલાકોટા મુખ્ય પ્રાથમિક શાળા સંકુલ ખાતે કરવામાં આવી હતી.
દીપ પ્રાગટય સાથે કાર્યક્રમને ખુલ્લો મુકતા કેન્દ્રીય આદિજાતિ રાજયમંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પૂ.ગાંધી બાપૂજીના ગ્રામોત્થાન માટેના સ્વપ્નને સાકાર કરવા માટે કૃતનિશ્વયી છે. દેશના વિકાસ માટે પ્રથમ ગામડાઓને સમૃધ્ધ અને મજબૂત બનાવવા પડશે. તેવી દિર્ધદૃધ્ટિ સાથે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન” પૂરા દેશમાં શરૂ કર્યું છે. તેના થકી એક આંદોલનના રૂપે ગામડાઓના વિકાસ માટેની નવી દિશા મળી છે. જિલ્લે જિલ્લે ખાસ ગ્રામસભાઓ યોજીને ગામડાંઓના વ્યકિતગત અને સામૂહિક વિકાસ કામોનું આયોજન થઇ રહયું છે. તેમ જણાવતા ગ્રામ સભાએ ગ્રામિણ ક્ષેત્રના વિકાસ માટેનું મહત્વનું પરિબળ છે. ચીલાકોટા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં ૨૦ કરોડના વિકાસ લક્ષી કામો પૂર્ણ કરાયા છે. પ્રધાનમંત્રી વર્ષ-૨૦૨૨ સુધીમાં એકપણ વ્યકિત પાકા મકાન વગર રહી ન જાય તે માટે કટિબ્ધ છે. ચીલાકોટા વિસ્તારમાં સરદાર આવાસ, ઇન્દીરા આવાસ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના રૂા. ૯ કરોડના ખર્ચ કરી ૧૭૧૭ આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત રૂા. ૧.૦૮ કરોડના ખર્ચે ૯૦૬ શૈાચાલયો પૂર્ણ કરવામાં આવ્યા છે. બાકીના સર્વે કરવામાં આવી રહયા છે. ગામડાઓના સર્વાંગી વિકાસ માટે ૧૪ માં નાંણા પંચ હેઠળ સિધેસીધી ગ્રાન્ટ ગ્રામ પંચાયતના ખાતામાં જમા થાય છે. ચીલાકોટા વિસ્તારના વિકાસ માટે રૂા. ૧.૪૦ કરોડની ગ્રાન્ટ ફાળવાઇ છે. ત્યારે ગ્રામ વિકાસ માટેની આ યાત્રામાં પક્ષા પક્ષીથી દૂર રહી આગળ વધીએ તેવી મંત્રીશ્રીએ અપેક્ષા કરી હતી.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક અને ઇન્યાર્જ જિલ્લા વિકાસ અધિકારી એન.વી. ઉપાધ્યાયે પ્રાસંગોચિત પ્રવચન કરતા જણાવ્યું હતું કે પૂ.ગાંધી બાપૂએ ગામડાઓના વિકાસ માટે ત્રિસ્તરીય પંચાયતની વિચારધારા રજૂ કરી અમલમા મૂકી હતી. વ્યકિગત અને સામૂહિક વિકાસ માટે ગ્રામસભાઓ મહત્વની પૂરવાર થઇ છે. ચીલાકોટા વિસ્તારમાં ૩૦૦ આવાસો મંજુર કરવામાં આવ્યા છે. તે પૈકી ૬૦ આવાસો પૂર્ણ થયા છે. ત્યારે બાકીના કામો પૂર્ણ થશે. તો જ બીજા લોકો માટે સર્વેનું કામ હાથ ધરાશે અને તેઓને લાભ મળશે કેન્દ્ર અને રાજય સરકાર છેવાડાના ગરીબ-આદિવાસી પછાત વ્યકિત અને વિસ્તાર માટે કટિબધ્ધ છે. ત્યારે ગામડાઓના વિકાસ માટે સૌ સહિયારા પ્રયાસો હાથ ધરીશું તો ઉજવણી સાર્થક થઇ ગણાશે
આ કાર્યક્રમમાં મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે જિલ્લાની સમરસ થયેલ ૮ ગ્રામપંચાયતના સરપંચશ્રીઓનું શાલ ઓઢાડી-પુષ્પ ગુચ્છ સાથે સન્માન, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના પૂર્ણ થયેલ ૭ આવાસોના લાભાર્થીઓને પ્રતિકરૂપ ચાવી અર્પણ તથા જય અંબે સંખી મંડળ, પાણીયાને રૂા. ૫૦,૦૦૦/- ચેકનું મંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન” અંતર્ગત પંચાયતીરાજ અંગેનો વાર્તાલાપ વિશાળ જનમેદનીએ નિહાળ્યો અને સાંભળ્યો હતો.
આ પ્રસંગે ચીલાકોટા વિસ્તારમાં રૂા. ૪૮,૭૭,૧૨૦/-ના ખર્ચે ફળીઆઓને જોડતા સી.સી.રોડ, હેન્ડપંપના ૫૨ કામોનું લોકાર્પણ/ ખાતમૂર્હત તથા પશુ સારવાર કેમ્પનું ઉદ્ઘાટન મંત્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્મમાં સ્વાગત પ્રવચન નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પટેલે તથા સંચાલન આભારવિધી નાયબ પશુપાલન નિયામક ર્ડા. ગોંસાઇએ કરી હતી.
આ કાર્યક્રમમાં નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજના અને અભિયાનના લાયઝન અધિકારી અનિલ વાધેલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ભાથીજી, લીમખેડા પ્રાત અધિકારી વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ વજેસીંહ પલાસ, અગ્રણી વસાકાકા, જિલ્લા- તાલુકા પદાધિકારીઓ, સરપંચો, ગામના અગ્રણીઓ, કર્મચારી ગણ વગેરે મોટી સંખ્યામા ગ્રામજનો, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.