SANDIP PATEL DHANSURA
2 કરોડના ખર્ચે રામપાર્ક સોસાયટીના કોમન પ્લોટથી ડુઘરવાડા રોડ થઇ સાંકરી નદીમાં પાણી નિકાલ કરાશે, ખાતમુહૂર્ત કરાયું
મોડાસા નગર પાલિકા દ્વારા સોસાયટી વિસ્તારોમાં ચોમાસા દરમ્યાન ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે રૂ. 2 કરોડના ખર્ચે 2 કિમી લાંબી પાઇપ લાઇન નાખવામાં આવનાર છે. યોજનાનું સોમવારે રામપાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં ખાતમુહૂર્ત કરાયું હતું. યોજના પૂર્ણ થતાં વિસ્તારમાં ભરાતાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ થશે.
નગરના રામપાર્ક, માણેકબા, વિદ્યાકુંજ અને રત્નમ રેસીડેન્સી સહિતના વિસ્તારોમાં ચોમાસામાં ઠેરઠેર ભારે પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા નગરપાલીકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ દ્વારા 2 કરોડની ફાળવણી કરાઇ હતી. રામપાર્ક સોસાયટીના કોમન પ્લોટથી ડુઘરવાડા રોડ થઇ સાંકરી નદીમાં પાણી નિકાલ માટેની આશરે 2 કિમી લાંબી યોજનાનું ખાતમુહૂર્ત જિલ્લા ભાજપ પ્રમુખ રણવીરસિંહ ડાભીના હસ્તે યોજાયું હતું. પ્રસંગે પાલિકા પ્રમુખ વનિતાબેન પટેલ, ઉપપ્રમુખ દિનેશભાઇ ગુર્જર, શાસક પક્ષના નેતા રૂપેશકુમાર ઝાલા, બાંધકામ સમિતિ ચેરમેન આશીષભાઇ જયસ્વાલ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, ઇજનેર દેવાંગ સોની સહિતના અધિકારીઓ, કાઉન્સીલરો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સોમવારે વરસાદી પાણીના નિકાલની યોજનાનું ખાતમુહૂર્ત કરાયું હતું.