THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- પ્રધાનમંત્રી આવાસ યોજના થકી દાહોદના દરેક ગરીબ પરિવારને વર્ષ ૨૦૨૪ સુધીમાં પોતાનું પાકું મકાન મળશે – દંડક રમેશભાઇ કટારા.
- વિવિધ યોજનાઓના લાભાર્થી સાથે મહાનુભાવોએ સંવાદ સાધ્યો, યોજનાકીય લાભો સમયસર મળવા બાબત પુચ્છા કરી.
સિમલા ખાતેથી ‘ગરીબ કલ્યાણ સંમેલન’ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો વિવિધ જનહિતની યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ – ૨ ખાતે દંડક રમેશભાઈ કટારાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. અહીં ઉપસ્થિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે મહાનુભાવોએ સંવાદ કર્યો હતો અને તેમને મળી રહેલા વિવિધ યોજનાકીય લાભો વિશે પૃચ્છા કરી હતી. આ પ્રસંગે વિધાનસભાના દંડક રમેશભાઇ કટારાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હિમાચલ પ્રદેશના સિમલા ખાતેથી ગરીબ કલ્યાણ સંમેલન નિમિત્તે આજના કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ યોજનાઓના લાભાર્થીઓ ઉપસ્થિત છે. જિલ્લાના દરેક નાગરિકો સુધી સરકારની યોજનાઓના લાભ પહોંચતા કરવા તે આજના કાર્યક્રમનો ઉદ્દેશ છે. તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લાના છેવાડાના વિસ્તાર સુધી સરકારી જન કલ્યાણ યોજનાઓના લાભ પહોંચતા કર્યા છે. અમે આગામી વર્ષ ૨૦૨૪ સુધીમાં દાહોદના દરેક ગરીબ પરિવાર પાસે પાકું મકાન મળી રહે તે માટે સંકલ્પ સાથે આગળ વધી રહયાં છે. જિલ્લામાં નલ સે જળ યોજનાની કામગીરી પણ ઝડપભેર પૂર્ણ કરાઈ રહી છે અને ટૂંક સમયમાં દરેક ઘર સુધી પીવાનું સ્વચ્છ પાણી મળતું થશે. તેમણે ઉમેર્યું કે, જિલ્લામાં સરકારના સઘન પ્રયાસો થકી રોજગારીના નવા દ્વાર ખુલ્યા છે. પ્રધાનમંત્રીશ્રી દ્વારા અહીં રેલ્વેના નવીન કારખાનાની યોજનાથી ૧૦ હજારથી વધુ લોકોને રોજગારી મળશે. અમે આ ઉપરાંત જિલ્લામાં નવીન એરપોર્ટ માટે પણ રજુઆત કરી છે જે નવી રોજગારી આપશે. જિલ્લાના વિદ્યાર્થીઓને કોઈ પણ અભ્યાસ માટે બહાર જવાની જરૂર નથી અહીં તમામ પકારની શૈક્ષણિક સવલતો ઉભી કરાઈ છે.
આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, નરેન્દ્રભાઇ મોદીએ પોતાના પ્રધાનમંત્રી તરીકેના પ્રથમ પ્રવચનમાં કહ્યું હતું કે દેશની તિજોરી પર પહેલો હક ગરીબોનો છે તે વાતને તેમણે પોતાના ૮ વર્ષના કાર્યકાળમાં સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. દેશને નક્કર વિકાસ કાર્યો અને પારદર્શક વહીવટ થકી વિકાસના નવશિખરે ઉન્નત કર્યો છે. તેમણે જણાવ્યું કે, સરકારના વિકાસકાર્યો અને યોજનાકીય લાભો છેવાડાના દરેક માનવી સુધી પહોંચતા થયા છે. દાહોદની વાત કરીયે તો છેલ્લા ૭ વર્ષમાં ૯૧૩૩૮ આવાસોના લાભ રૂ. ૧૦૭૫ કરોડના ખર્ચે અપાયા છે. જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૪૧૮૮૦૧ લાભાર્થી ખેડૂતોને રૂ. ૫૯૪.૭૨ કરોડનો લાભ અત્યાર સુધીમાં મળ્યો છે. જ્યારે જિલ્લામાં ઉજ્જ્વલા યોજના અંતર્ગત ૧.૯૯ લાખથી વધુ લોકોએ લાભ મેળવ્યો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ૪.૫ લાખ કાર્ડ અપાયા છે અને રૂ. ૧૧.૬૦ કરોડનો લાભ અપાયો છે. જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ જણાવ્યું કે, રાજ્યમાં જનકલ્યાણની વિવિધ યોજનાઓના લાભ નાગરિકો સુધી પહોંચતા તેમનું જીવનધોરણ ઉંચુ આવ્યું છે. તમામ જરૂરીયાતમંદ નાગરિકો સુધી યોજનાકીય લાભો પહોંચે એ માટે સરકાર પ્રતિબદ્ધ છે.
આ પ્રસંગે વિવિધ યોજનાઓના લાભાર્થી સાથે મહાનુભાવોએ સંવાદ સાધ્યો હતો. તેમણે યોજનાકીય લાભો સમયસર મળી રહે છે કે કેમ તે બાબતે પૃચ્છા કરી હતી. તેમજ વિવિધ યોજનાઓ વિશે માહિતી પણ આપી હતી. સિમલા ખાતે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા ગરીબ કલ્યાણ સંમેલન કાર્યક્રમને ઉપસ્થિત નાગરિકોએ રસપૂર્વક નિહાળ્યો હતો. તેમજ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓની સાફલ્ય ગાથા દર્શાવતી ટૂંકી ફિલ્મો દર્શાવાઇ હતી. અને કાર્યક્રમ ખાતે વિવિધ યોજનાઓની માહિતી આપતો સ્ટોલ લગાવ્યો હતો જેનો નાગરિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
આ વેળા કલેકટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, અગ્રણી જીથરાભાઈ ડામોર, રમણભાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.બી. બલાત, પ્રાયોજના વહીવટદાર, જિલ્લા પુરવઠા અધિકારી સહિતના અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.