PRIYANK CHAUHAN GARBADA
તાલુકા-જિલ્લા-રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ વિજેતા શ્રેષ્ડ શિક્ષકોનું કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું.
ગરબાડા તાલુકાના નિવૃત શિક્ષકોએ તાજેતરમાં સરહદ પર શહીદી વ્હોરનાર શહીદ જવાનોના પરિવારો માટે રૂા.૧૧,૧૧૧/- નો ચેક મંત્રીશ્રીને અર્પણ કર્યો
નશાબંધી અને આબકારી જિલ્લા કચેરી, દાહોદ, ર્ડો. આંબેડકર સાર્વજનિક યુવક મંડળ, જેસાવાડા તેમજ ગરબાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જામ્બુઆ, પ્રાથમિક શાળા ખાતે નશાબંધી સપ્તાહ-૨૦૧૬ની ઉજવણી નિમિત્તે તાલુકા-જિલ્લા-રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ વિજેતા શિક્ષકનો સન્માન કાર્યક્રમ ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ કાર્યક્મને ખુલ્લો મૂકતાં કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે નશાની બદીથી થતા નુકશાન અંગે વિસ્તૃત જાણકારી આપતાં જણાવ્યું હતું કે સત્ય પ્રેમ અને કરૂણા મૂર્તિ પૂ. મહાત્મા ગાંધીએ વ્યક્તિ નશાથી દુર રહેશે અને શિક્ષણ લેશે તો તે વ્યક્તિનો ચોક્કસ વિકાસ થશે. તેમ દ્રઢતા પૂર્વક જણાવ્યુ હતુ. તેમને ગ્રામોત્થાન અને ગરીબી નાબુદી, સ્વચ્છતા માટે કરેલા વિચારોને મૂર્તિમંત કરવા રાજ્યના તત્કાલિન મુખ્ય મંત્રી અને દેશના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છ ભારત મિશન, એક ભારત શ્રેષ્ઠ ભારતના નારા સાથે સમગ્ર દેશમાં ઝુંબેશ હાથ ધરી છે. આ માટે સૌને સહયોગી બનવા આહ્વાન કર્યુ હતુ. સહિયારા પ્રયાસો હાથ ધરીએ તેવીશ્રી ભાભોરે અપીલ કરી હતી.
વધુમાં શ્રી ભાભોરે જણાવ્યુ હતુ કે કોલગી સમિતિ દ્વારા ગરબાડા તાલુકાને પછાત તાલુકામાં આવરી લીધેલ છે. તે માટે વિશેષ ફંડ પણ ફાળવવામાં આવે છે. રાજ્ય સરકારે તાલુકાના રસ્તા, નાળા, ગામ તળાવો ઉંડા કરવા, પુલો બનાવવા, શિક્ષણ માટે નવિન કોલેજ, શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેની આંકડાકીય વિગતો પૂરી પાડતા ગરબાડા તાલુકાના વિકાસની ખૂટતી કડીઓને પદાધિકારીઓ અને અધિકારીઓના પરામર્શમાં રહીને પરિપૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર કટીબધ્ધ છે તેમ કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી ભાભોરે જણાવ્યુ હતુ. આ પ્રસંગે તેમણે વિજાણંદ કૃષ્ણ પ્રણામી સંપ્રદાય દ્વારા વ્યસન મુક્તિ કોન્ફરન્સ હોલ બનાવવા માટે સાંસદશ્રીની ગ્રાંટમાંથી રૂા. ૧૦ લાખ ફાળવવાની જાહેરાત કરી હતી.
આ કાર્યક્મમાં કલેક્ટરશ્રી એલ.પી.પાડલીઆએ વ્યસનથી થતા નુકશાનથી વ્યક્તિ અને કુંટુંબની થતી પાયમાલી અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરું પાડતા વ્યક્તિના વિકાસ કે સમાજના વિકાસ માટે શિક્ષણ મહત્વનું માધ્યમ છે તેમ જણાવ્યું હતું.
તાલુકા-જિલ્લા-રાજ્ય-રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ વિજેતા શિક્ષકનું ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર તથા અન્ય પદાધિકારી- અધિકારીઓના હસ્તે પ્રમાણપત્ર, શિલ્ડ,પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણી ર્ડા. ગિરિશભાઇ નલવાયાએ પણ આ શિક્ષકોનું શાલ ઓઢાડી પારિતોષિક સાથે સન્માન કર્યુ હતું. ગરબાડા તાલુકાના નિવૃત શિક્ષકોએ તાજેતરમાં સરહદ પર શહીદી વ્હોરનાર શહીદ જવાનોના પરિવારો માટે રૂા.૧૧,૧૧૧/- નો ચેક મંત્રીશ્રીને અર્પણ કર્યો હતો.
દાહોદ નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષકશ્રી. એસ.પી.ભગોરાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ. જ્યારે કિરણ સિંહ ચાવડાએ સંચાલન તથા આભારવિધિ કરી હતી. ગાંગરડા પ્રાથમિક શાળાના બાળકોએ શરીર સૌષ્ઠવના અંગ કસરતો રજૂ કરી લોકોને આશ્ચર્યમુગ્ધ બનાવી દીધા હતા. આ બાળકોનું મંત્રીશ્રીના હસ્તે વિશેષ સન્માન કરી પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ઉષાબેન ભાભોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સુજલકુમાર મયાત્રા, આંબેડકર સાર્વજનિક યુવક મંડળ, જેસાવાડાના પ્રમુખશ્રીમતી બબીતાબેન કિરણસિંહ ચાવડા, પ્રાંત અધિકારીશ્રી ગામિત, જાંબુઆ સરપંચશ્રી વિરસીંગભાઇ ભાભોર, અગ્રણીશ્રી કમલેશભનઇ માવી, અન્ય મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ , જિલ્લા- તાલુકાના સદસ્યશ્રીઓ, જુદા જુદા ગામના સરપંચશ્રીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહયા હતા.