લોકહિતના પ્રશ્નોનું નિયમસર અને સમયસર કામ કરવા સાથે એકમેકના સંકલનમાં રહીને કામ કરવા અધિકારી ઓને માર્ગદર્શન પુરૂં પાડતા જિલ્લા કલેક્ટર
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારી ઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં પડતર પ્રશ્નો બાબત, નગર પાલિકા વિસ્તારના પ્રશ્નો, બ્રિજના સમારકામ કરવા બાબત, આંગણવાડી કેન્દ્રોના પ્રશ્નો, કોઝ વે માં થયેલી ક્ષતિ બાદ તેના દુરસ્તીકરણના પ્રશ્નો, ઝાડ ટ્રીમિંગ કામગીરી, દુધીમતી નદીના ક્લીનીંગ બાબત, શાળાઓમાં E-KYC કરવા બાબત, ન્યુઝ એનાલીસીસ સહિત પી.જી. પોર્ટલની પેન્ડીંગ અરજીઓ બાબતની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ આવા પ્રશ્નોનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે માટે પુરતી તકેદારી રાખી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આ નિમિતે જિલ્લા ટાસ્ક ફોર્સ, ફૂડ એન્ડ સેફટી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નાગરિક પુરવઠા વિભાગ, ગૌમાતા પોષણ યોજના તેમજ રાત્રી સભામાં રજુ થયેલા પ્રશ્નો બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી.
દાહોદના વિકાસના કામો તેમજ જનહિતના કામો નિયમ ગાઈડલાઈન મુજબ, સમયસર અને એકબીજા વિભાગોના સંકલનમાં રહીને પ્રજાના પ્રશ્નોને ઝડપી વાચા આપી જન સુખાકારીના કામો કરવા કલેકટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત જિલ્લા અમલીકરણના વિવિધ વિભાગોને ઈ-સરકાર મારફત જ પત્રવ્યવહાર કરવા ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. સેટરડે ફોર સોશિયલ મીડિયાને મહત્વ આપીને જિલ્લાના વિવિધ વિભાગોને પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાના તરફથી કરવામાં આવતી રોજે રોજની કામગીરીનો અહેવાલ પ્રસ્તુત કરવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્રસિંહ મિણા, નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી.એમ. પટેલ, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, નાયબ વન સંરક્ષક તેમજ પ્રાંત અધિકારી સર્વે, મામલતદારો સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.