ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨, અવસર લોકશાહીનો
દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં આજે તા.૦૬/૧૧/૨૦૨૨ ને રવિવારના રોજ જિલ્લા સેવા સદન ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જિલ્લામાં યોજાનારી ચૂંટણીનો કાર્યક્રમ સહિતની વિગતો તેમજ આ અંગે ઉમેદવારોએ નિભાવવાના ખર્ચ રજીસ્ટર વગેરે બાબતો વિશે માહિતગાર કર્યા હતા. બેઠકમાં EVM મેનેજમેન્ટ સીસ્ટમ અંતર્ગત બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ, વીવીપેટ ના રેન્ડમાઇઝેશનની પ્રથમ પ્રક્રિયા પારદર્શક રીતે ઉમેદવારો સમક્ષ યોજવામાં આવી હતી. ડો. હર્ષિત ગોસાવીએ વિવિધ પરવાનગીઓ માટે Single Window સીસ્ટમ કાર્યરત કરવામાં આવી હોવા ઉપરાંત ઉમેદવારે ખર્ચના હિસાબ નિભાવવા બાબતે વિગતે માહિતી ઉપસ્થિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ ખર્ચ નિરીક્ષક તરીકે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને દરેક ઉમેદવારે કરવાના ખર્ચની મર્યાદા, ઉમેદવારના નોમિનેશન થી શરૂ કરીને ચૂંટણીલક્ષી તમામ ખર્ચના રજીસ્ટર, તેમજ અન્ય પ્રક્રિયાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. બેઠકમાં વિવિધ પક્ષોના પ્રતિનિધોઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી.આઇ. પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.