સમાજના દરેક લોકોનો એક સરખો ડ્રેસ સામાજિક એકતા દર્શાવતું હતું
નવરાત્રીનો પહેલો દિવસ એટલે અગ્રવાલ સમાજ માટે તેમના કુલ શ્રેષ્ઠ અગ્રસેન મહારાજનો જન્મોત્સવ, અગ્રસેન મહારાજ નો ૫૧૪૬ મો જન્મોત્સવ આખાં ભારત વર્ષમાં અગ્રવાલ સમાજ દ્વારા ગત રોજ તા.૨૬/૦૯/૨૦૨૨ ને સોમવારના રોજ ભક્તિભાવ અને ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. અગ્રસેન મહારાજ અગ્રવાલ સમાજના પિતામહ ગણાય છે, અગ્રસેન મહારાજ ભગવાન રામની ચોત્રીસમી પેઢીના સૂર્યવંશી ક્ષત્રિય રાજા મહારાજા વલ્લભસેનના સૌથી મોટા પુત્ર હતા, મહારાજા અગ્રસેનના જમાનામાં રામ રાજ્ય ચાલતું હતું તેથી તેઓ સદા તે માર્ગે ચાલી ઇતિહાસમાં અમર થયાં હતાં. મહારાજા અગ્રસેન ભારત દેશમાં મોટાં પાયે વ્યાપાર કરતી અગ્રવાલ સમાજના કુળપિતા છે. મહારાજ અગ્રસેને અગ્રોહા ધામની સ્થાપના કરી હતી ત્યાં તેમણે તેમના કુળદેવી લક્ષ્મી માતાનું ખૂબજ સુંદર મંદિર બનાવેલ છે જે અગ્રવાલ સમાજ માટે શક્તિપીઠ ગણાય છે. મહારાજ અગ્રસેન સમાજવાદના અગ્રદૂત કહેવામાં આવે છે. ઝાલોદ નગરમાં અગ્રવાલ સમાજ દ્વારા ત્રણ દિવસય વિવિધ કાર્યક્રમો દ્વારા અગ્રસેન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
વધુમાં અગ્રવાલ સમાજ દ્વારા વિભિન્ન હરીફાઈઓ યોજાઈ હતી જેમકે પાટો સજાવવું, મહેંદી હરીફાઈ, ફૂલદાન સજાવટ, અનાજ થી ગણપતિ બનાવવું, વેસ્ટ માંથી બેસ્ટ, ફૂલોની પત્તીથી રંગોળી સજાવવું, વેજિટેબલ સલાડ ડેકોરેશન, રંગોળી બનાવવું (શ્રી કૃષ્ણ થિમ), નિબંધ હરીફાઈ, ગણગૌર બનાવી સજાવવું, સિક્કાથી ચિત્ર બનાવવું, નખ સજાવવું,, વેશભૂષા, મ્યુઝિકલ ચેર, નીંબુ ચમ્મચ, ક્રિકેટ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
ગત રોજ પ્રભુતા પાર્ટી પ્લોટમાં અગ્રવાલ સમાજના સહુ લોકો ભેગા થયા હતા ત્યાં સમાજની બહેનો દ્વારા પ્રાર્થના કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સમાજના કામ કાજ અંગે ખુલ્લા મંચ પર ચર્ચા કરવામાં આવી હતી તેમાં ખુબજ સરસ સહકાર મળ્યો હતો. ત્યાર બાદ સમાજના સંગઠનને વધુ મજબૂત કરવા અંગે સમાજના પ્રમુખ મુકેશભાઈ અગ્રવાલ દ્વારા ભાર મુકવામાં આવ્યો હતો અને છેલ્લે ત્રણ દિવસની વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સાંજે પ્રભુતા પાર્ટી પ્લોટ થી અગ્રસેન મહારાજના રથને નગરના વિવિધ માર્ગો પર ભક્તિભાવ ભર્યા માહોલમાં કાઢવામાં આવ્યો હતો. સમાજના દરેક પુરુષ એક જેવા ડ્રેસમાં સહુનું ધ્યાન કેન્દ્રિત કરતા હતા અને મહિલાઓએ મારવાડી ડ્રેસ પહેરેલ જોવા મળ્યો હતો. છેલ્લે પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે અગ્રસેન મહારાજનો રથ પાછો આવતા ત્યાં મહા આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામના સમાપનના અવસરે ઉપસ્થિત સહુ સમાજના લોકોનો સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે અગ્રવાલ સમાજના પ્રમુખ મુકેશભાઈ અગ્રવાલ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.