PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં મુખ્ય મથક ઝાલોદમાં ગત રોજ વહેલી સવારમાં હિરેનભાઇ કનુભાઈ પટેલ પોતાના ઘર મુવાડા થી મોર્નિંગ વોક કરવા માટે દાહોદ રોડ ઉપર નીકળ્યા હતા ત્યારે સવારના પહોરમાં અન્ય લોકો પણ ત્યાથી પસાર થી રહ્યા હતા તેવામાં એક વ્યક્તિની નજર રોડ ની સાઈડમાં ઝાડીમાં પડી હતી ત્યાં હિરેનભાઇ અર્ધ બેહોશીની હાલતમાં મળી આવેલ અને ત્યારબાદ તરત જ તેઓને ઝાલોદના સુંદરમ હોસ્પિટલ માં લઈ જઇ પ્રાથમિક સારવાર કર્યા બાદ તેઓને ત્યાથી વડોદરા રીફર કરવામાં આવતા તેઓને વડોદરા લઈ જતાં તેઓ રસ્તામાં મૃત્યુ પામ્યા હતા ત્યારે આ સમાચાર વાયુ વેગે ઝાલોદ નગરમાં પ્રવેશતા જ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. અને આજે તા.૨૮/૦૯/૨૦૨૦ ને સોમવારે સવારમાં અંદાજે ૦૮:૩૦ કલાકે તેઓની અંતિમ યાત્રા તેઓના નિવાસ સ્થાનેથી નિકાળવામાં આવી હતી. તેઓની અંતિમવિધિમાં સમગ્ર ઝાલોદના નગરજનોની ભારે ભીડ જોવા મળી હતી
ઝાલોદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ તથા સામાજિક અને રાજકીય અગ્રણી એવા હિરેનભાઈ કનુભાઈ પટેલનું શંકાસ્પદ મોત થયું હતું. જે અંગે ઝાલોદ પોલીસ હાલ અકસ્માતનો ગુનો નોંધી અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ઝીણવટભરી તપાસમાં ઝાલોદ પોલીસ સહિત જિલ્લામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા છે. હિરેનભાઈ કનુભાઈ પટેલના મૃત્યુ પાછળ આખું નગર હિચકે ચડી રહ્યું હતું. ત્યારે આજે સોમવારના રોજ હિરેનભાઈ કનુભાઈ પટેલની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. જેમાં ઝાલોદ નગર સહીત આજુબાજુના પંથકમાં લોકો ભારે સંખ્યામાં હાજર રહ્યા હતા. ઝાલોદ નગરજનોએ તેઓને શ્રદ્ધાંજલિ આપવા આજ રોજ સોમવારના રોજ પોતાના ધંધા-રોજગાર સ્વૈચ્છિક રીતે બંધ રાખી અને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા અને તેમના મૃત્યુ અંગે ઝીણવટભરી તપાસ અંગેનો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. ફેસબુક, વોટ્સઅપ તેમજ ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં પણ “જસ્ટિસ ફોર હિરેનભાઈ પટેલ ઝાલોદ” એવું ચલાવવામાં આવ્યું હતું. જો કે અત્રે ઉલ્લેખનીય છે કે હિરેનભાઈ પટેલના મૃત્યુ અંગે હાલ વિવિધ અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ આ અંગે પી.એમ. રિપોર્ટ આવ્યા પછી જ કંઈક કહી શકાય તેમ છે. ત્યારે પોલીસ પણ પી.એમ. રીપોર્ટની રાહ જોઈ રહી છે અને રિપોર્ટ આવ્યા પછી આ અંગે ચોક્કસ તારણ મેળવી શકે એમ છે.