PRITESH PANCHAL –– JHALOD
ઝાલોદ નગર પાલિકાની સામાન્ય સભામાં દુકાન તથા તળાવની ગેરરીતિઓના મુદ્દાઓ ચર્ચાયા, પાલિકાનું પાણીનું બિલ કરોડો જેટલું બાકી, પાલિકા તંત્રનું ગેરરીતિઓ મુદ્દે ભેદી મૌન
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ નગર પાલિકાની સામાન્ય સભા આજે તા.૧૦/૧૨/૨૦૨૦ ને ગુરુવાર ના રોજ પાલિકાના સભાખંડમાં મળી હતી. વિવિધ મુદ્દે તોફાની બનવાના એંધાણ વચ્ચે યોજાયેલી આ સામાન્ય સભામાં નગર પાલિકામાં થયેલી ગેરરીતિઓ અંગેના મૌન સાથે જ સભા પૂર્ણ થતાં પાલિકા તંત્રનું ભેદી મૌનએ અનેક પ્રશ્નોને હજીય અકબંધ રાખ્યા હતા.
નગર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સ્વ.હિરેનભાઈ પટેલની હત્યા અને એક સભ્ય સ્વ.અંતિમભાઈ અગ્રવાલની આત્મહત્યા બાદ પાલિકાની પ્રથમ સામાન્ય સભા આજે ગુરુવારના રોજ નગર પાલિકાના સભા હોલમાં યોજાઈ હતી. જેની શરૂઆતમાં જ આ બંને સભ્યોને યાદ કરી અને બે મિનિટનું મૌન રાખી અને સામાન્ય સભાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ભંગારની હરાજી, ત્રિમાસિક હિસાબોની મંજૂરી, ઓનલાઇન ટેન્ડર મંજૂર કરવા, પાલિકાના નવીન ભવનની દરખાસ્ત, ૧૫ માં નાણાંપંચના કામોનું આયોજન, નગરમાં આવતા ભારે વાહનો માટે પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા તેમજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે ડમ્પીંગ સાઈટ વગેરે જેવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જોકે કેટલાક મુદ્દાઓને લઈને આ સામાન્ય સભા તોફાની બનવાના એંધાણ હતા. ત્યારે સત્તાધારી પક્ષ તથા વિપક્ષ દ્વારા અંગીકાર કરવામાં આવેલા ભેદી મૌનને પગલે સામાન્ય સભા શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.
ઝાલોદ નગર પાલિકામાં યોજાયેલ સામાન્ય સભામાં દુકાન તથા તળાવને લઈને પાલિકાના મૌનથી નગરના લોકોમાં આશ્ચર્ય સર્જાયું. નગર પાલિકાની દુકાન તથા તળાવના ટેન્ડરમાં ખોટા બીલો રજૂ કરી અને તે રકમ પચાવી પાડવામાં આવ્યું હોવાનું પાલિકા તંત્ર દ્વારા જ જાહેર કરવામાં આવ્યું હતું. જે બદલ પાલિકાતંત્ર દ્વારા આ અંગે નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં, પાલિકાએ દુકાન ફરીથી પરત લેવા અંગે તેમજ તળાવનો મત્સ્ય ઉછેર માટેનો ઈજારો રદ કરવા અંગેનો નિર્ણય લીધો ન હતો. દુકાન પરત લેવા અંગે સર્વ સહમતીથી નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે પાલિકા સાથે થયેલી છેતરપિંડી અંગે ફોજદારી કેસ થશે કે કેમ તે અંગેનો પ્રશ્ન ચર્ચાયો ન હોતો. તો તળાવના મત્સ્ય ઉછેર અંગેનો નિર્ણય પેંડિંગ રાખવામાં આવ્યો હતો.જેને લઈને પાલિકા સભ્યોમાં જ અસંતોષ સર્જાયો હતો.
બીજી બાજુ ઝાલોદ નગર પાલિકાનું પાણીનું બિલ તેમજ લાઈટ બીલ અંગેની પણ ચર્ચા થઈ હતી. ત્યારે ધારાસભ્ય દ્વારા પણ પાલિકાના વિકાસનાા કામો અંગે માહિતી માંગવામાં આવતા નગરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ઝાલોદના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાએ પાલિકા દ્વારા થયેલ કામ અને ગ્રાન્ટ અંગેની માહિતી માંગી હતી. જે અંગે પાલિકા એ સર્વાનુમતે આ માહિતી આપવા અંગે નિર્ણય કર્યો હતો. પાલિકાની સામાન્ય સભામાં ચીફ ઓફિસર અને સભ્યો વચ્ચે નજીવી ચકમકના દ્રશ્યો જોવા મળીયા હતા. સામાન્ય સભામાં ચીફ ઓફિસર દ્વારા સરકારી નિયમ મુજબ જ જાહેર હરાજી કરવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો. જોકે આ મુદ્દે કેટલાક સભ્યોએ વિરોધના સુર રેલાવતા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર દ્વારા પાલિકાએ આ અંગે થયેલી ગેરરીતિને પગલે પાલિકાના તમામ ૨૬+૨=૨૮ સભ્યો સસ્પેન્ડ થાય તેમ પણ કહ્યું હતું. જો કે આ વાત અહીંયા જ પૂરી થઈ હતી. પણ પાલિકામાં જો આટલી જ ગેરરીતિઓ થઈ છે. તો આ અંગે કંઇ નિર્ણય હજી સુધી કેમ લેવાતો નથી. તેવો પણ પ્રશ્ન ઉદભવ્યો હતો.