THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
- દાહોદમાં ગરીબ અને ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોના બાળકોના આરોગ્ય તપાસ કરી (કેપ)
- દાહોદમાં બાળ કલ્યાણ સમિતિ કાચા ઝુંપડામાં વસતા ગરીબ પરિવારોની વ્હારે આવી. (કેપ)
દાહોદ શહેર તેમજ તેની આસપાસ કેટલાયે ગરીબ અને નિરાધાર પરિવારો વસવાટ કરે છે. આવી જ એક વસાહત પરેલ પાસે આવેલી છે. આ વસાહતમાં આજે બાળ કલ્યાણ સમિતિ (Child Welfare Committee) એ મુલાકાત લીધી હતી અને બાળકોની આરોગ્ય ચકાસણી કરાવી હતી. ઉપરાંત જરુરી દસ્તાવેજો પણ આવા ગરીબ પરિવારોને મળી રહે તેના માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દાહોદના પરેલ વિસ્તારમાં મેડીકલ કોલોની પાસે એક વસાહત આવેલી છે. જેમાં કાચા મકાનોમાં ગરીબ પરિવારો રહે છે. તે પૈકીના કેટલાક લોકો ભિક્ષાવૃત્તિ કરે છે તો કેટલાક પરિવારો ફુગ્ગા કે વિવિધ પ્રકારના રમકડાં વેચીને પોતાનુ ગુજરાન ચલાવે છે. આ તમામ પરિવારોની હાલત કફોડી છે ત્યારે ઘણી વખત સેવાભાવીઓ આવા પરિવારોને જરુરી ચીજ વસ્તુઓનું દાન કરે છે, પરંતુ તે તેમના માટે પુરતું હોતુ નથી. જેથી ગુજરાત સરકારની બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સોની, બાળ સુરક્ષા વિભાગની ટીમ અને આરોગ્ય કર્મીઓએ સાગમટે આજે આ વસાહતની મુલાકાત લીધી હતી. સૌ પ્રથમ તમામ બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. તેમાંથી એક બાળકને હ્રદયની બીમારી હોવાનું માલુમ પડતાં તેને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે. આ બાળકો પૈકી કેટલા બાળકો શાળાએ જાય છે તો કેટલા બાળકો શાળાએ કેમ જઇ શક્તા નથી તેની જાણકારી પણ મેળવી તમામ બાળકો શિક્ષણ મેળવે તેની તજવીજ પણ શરુ કરવામાં આવી છે. આ ટીમની મુલાકાત દરમિયાન પાંચ સગર્ભાઓ પણ મળી આવી છે અને તેઓ પણ કુપોષિત છે કે કેમ અને હોય તો તેમના પોષણ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવશે. કેટલાક પરિવારો પાસે જરુરી દસ્તાવેજો ન હોવાથી તેમને સરકારી યોજનાઓના લાભ મળી શક્તા નથી. જેથી તેવા પરિવારોને રેશનકાર્ડ, આધાર કાર્ડ કે આયુષ્માન યોજનાના કાર્ડ મળી રહે તેના માટે પણ સુચના આપી તેની ત્વરિત વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે તેનું ઘનિેષ્ઠ આયોજન પણ કરવામાં આવ્યુ છે. આ પાંચ સગર્ભાઓ પૈકી એક સગર્ભાને તેની પ્રસુતિ સુધીની દેખરેખ માટે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્ર સોનીએ દત્તક લીધી છે. જેથી આ સગર્ભાને અનાજ તેમજ સારવાર માટેની જવાબદારી તેમણે સ્વીકારી લીધી છે. આમ ગરીબ પરિવારો કેવી રીતે આત્મ નિર્ભર બને તેમજ ભિક્ષા વૃત્તિમાંથી પોતાના બાળકોને પણ બચાવી લઇ તેમને શિક્ષિત કરે તે દિશામાં બાળ કલ્યાણ સમિતિએ આજે નક્કર કામગીરીની શરુઆત કરી છે.