VANDANA VASUKIYA – VIRAMGAM
સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિરમગામ તાલુકાના ૭૮ રક્તદાઓએ સ્વેચ્છીક રક્તદાન કર્યુ. ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાતાઓને પ્રમાણપત્ર એનાયત કરાયા.
તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંધી હોસ્પીટલ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલાએ મહા રક્તદાન કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો. આ મેગા રક્તદાન કેમ્પમાં ૭૮ બોટલ રક્ત એકઠુ કરવામાં આવ્યુ હતુ. સ્વેચ્છીક રક્તદાન કરનારા રક્તદાતાઓને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ, કેઇન ઇન્ડીયા તથા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના સયુક્ત ઉપક્રમે મહાત્મા ગાંધી હોસ્પીટલ ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો અને તેમાં મોટી સંખ્યામાં તાલુકાના લોકોએ રક્તદાન કર્યુ હતુ. રક્તદાન કેમ્પમાં લોકોને રક્તદાનનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ અને કોઇ પણ પુખ્ત વયનો સ્વસ્થ્ય વ્યક્તિ દર ત્રણ મહિને રક્તદાન કરી શકે છે. ખાસ કરીને યુવાનોને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ મેગા રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.વિરલ વાઘેલા, સુપરવાઇઝર કે.એમ.મકવાણા, જયેશ પાવરા, નીલકંઠ વાસુકિયા, કેઇન ઇન્ડીયાના અવિનાશભાઇ રાવલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામના અધિક્ષક ડો.દિવ્યાંગ પટેલ, સામાજીક કાર્યકર બીરજુભાઇ ગુપ્તા, વિરમગામ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર સહિત આરોગ્ય કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
કોણ-કોણ રક્તદાન કરી શકે ?
રક્તદાનએ બિલકુલ સરળ અને સુરક્ષિત પ્રક્રિયા છે. રક્તદાન કરવાથી કોઈપણ જાતનો ચેપ લાગુ પડતો નથી. અઢાર વર્ષથી વધુ વયની કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે અને દર ત્રણ માસના ગાળામાં ફરી રક્તદાન કરી શકે છે. ૩૫૦ થી ૪૫૦ સીસીના રક્તદાનથી બહુજ થોડા સમયાંતરે રક્તનો તેટલો જ જથ્થો આપણા શરીરમાં ફરી આવી જાય છે.