
![]()
NILKANTH VASUKIYA – VIRAMGAM
તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટરના અધિકારી કર્મચારીઓ દ્વારા ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ “રાષ્ટ્રીય કૃમિનાશક દિન” ની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિરમગામ તાલુકામાં ૧ થી ૧૯ વર્ષના બાળકોને એક સાથે કૃમિનાશક ટેબલેટ આપવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ટીઆઇઇસીઓ એસ.એલ.ભગોરા, નીલકંઠ વાસુકીયા, કે.એમ.મકવાણા, જયેશ પાવરા, ગૌરીબેન મકવાણા સહિત વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા સપોર્ટીવ સુપરવીઝન કરવામાં આવ્યુ હતુ.
– વિરમગામ તાલુકામાં ૧ થી ૧૯ વર્ષના બાળકોને એક સાથે કૃમિનાશક ટેબલેટ આપવામાં આવી
વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ “રાષ્ટ્રીય કૃમિનાશક દિન” ની ઉજવણીના ભાગ રૂપે વિરમગામ તાલુકાના ૧ થી ૧૯ વર્ષની વય જુથના આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, શાળામાં જતા કે શાળામાં ન જતા બાળકોને એક જ દિવસે ઉંમર પ્રમાણે કૃમિનાશક ટેબલેટ આપવામાં આવી હતી. કૃમિનાશક ગોળી કૃમિથી થતા ચેપ સામે રક્ષણ આપે છે. કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર લોહીની ઉણપ, કુપોષણ, ભુખ ન લાગવી, બેચેની, પેટમાં દુઃખાવો, ઉલ્ટી તથા ઝાડા, વજન ઓછુ થવુ જેવી અનેક હાનિકારક અસરો જોવા મળે છે.
– કૃમિનાશક ગોળી કૃમિથી થતા ચેપ સામે રક્ષણ આપે છે
કૃમિ નિયંત્રણની દવા ખાવાની સાથે કૃમિના ચેપથી બચવાના ઉપાયો સમજાવતા વિરમગામ તાલુકાના આઇ.ઇ.સી. ઓફિસર એસ.એલ.ભગોરાએ જણાવ્યુ હતુ કે, નખ સાફ અને નાના રાખવા. હંમેશા સ્વચ્છ પાણી પીવુ. ખોરાકને ઢાંકીને રાખવો, સાફ પાણીથી ફળો-શાકભાજી ધોવા. જમ્યા પહેલા તથા શૌચ પછી સાબુથી હાથ ધોવા. આજુબાજુ સ્વચ્છતા રાખવી. પગરખા પહેરવા. ખુલ્લામાં સંડાસ ન જવુ, હંમેશા શૌચાલયનો જ ઉપયોગ કરવો જોઇએ.


