VANDANA VASUKIYA – VIRAMGAM
– કાર્ડીયાક એરેસ્ટ બાદ તરત જ અસરકાર સીપીઆર શરૂ કરી દેવામાં આવે તો વ્યક્તિની બચવાની તક ૪૦ ટકા વધી જાય છે.
તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે વેસ્ટર્ન રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ તથા મેડીકલ ટીમ સાથે સંકળાયેલા અધીકારીઓ દ્વારા આરોગ્ય વિભાગના તબીબી અધિકારીઓ, કર્મચારીઓને સીપીઆર “કાર્ડિયો પલ્મોનરી અરેસ્ટ” અંગે વર્કશોપમાં તાલીમ આપવામાં આવી હતી. આ વર્કશોપમાં પુર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, વિરમગામ નગરપાલીકા પ્રમુખ કાન્તિભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સીપીઆર વર્કશોપને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ક્યુએમઓ ડો.સ્વામિ કાપડીયા, ડીઆઇઇસીઓ વિજય પંડિત, તાલુકા સુપરવાઇઝર કે.એમ.મકવાણા, ગૌરીબેન મકવાણા, જયેશ પાવરા, નીલકંઠ વાસુકિયા, વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સુપરવાઇઝર સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, દર્દીઓ અચાનક જ ‘કાર્ડિએક એરેસ્ટ’ (હૃદયનું કામચલાઉ ખૂબ ધીમું અથવા બંધ પડી જવું)ના ભોગ બને છે. કાર્ડીયાક એરેસ્ટ બાદ તરત જ અસરકારક સીપીઆર આપવામાં આવે તો દર્દીની બચવાની તક ૪૦ ટકાથી પણ વધુ વધી જાય છે. અચાનક જ થયેલી ‘કાર્ડિયો પલ્મોનરી અરેસ્ટ’ એવી સ્થિતિ છે જેમાં દર્દી પોતાની જાતે શ્વાસ લેવાની ક્રિયા બંધ કરી દે છે અથવા હૃદયના સામાન્ય ધબકારા બંધ થઇ જાય છે. શરીરના ભાગોમાં લોહી પહોંચતું ચટકી જાય છે. જો લોહી શરીરમાં વહેતું બંધ થઇ જાય તો પછી મિનિટોમાં દર્દીના મગજને કાયમ માટે નુકસાન થાય છે. અથવા દર્દી મૃત્યુ પામે છે. એટલા માટે ખાસ જરૂરી છે કે યોગ્ય અને તાલીમ પામેલા ‘મેડિકલ’ મદદ આવી ન પહોંચે ત્યાં સુધી લોહીનું વહેવું એ શ્વાસનું લેવું ચાલુ રહેવું જોઇએ.
જિલ્લા ક્વોલીટી એસ્યોરન્શ ઓફિસર ડો.સ્વામિ કાપડીયાએ જણાવ્યુ હતુ કે, અચાનક થતાં ‘કાર્ડિયાક અરેસ્ટ’ હુમલામાં સર્વ સામાન્ય ‘હાર્ટ રિધમ’ (હૃદયની ચાલ) વેન્ટ્રીકયુલર ફિબ્રીલેશન હોય છે જેમાં હૃદય અત્યંત ઝડપથી અનિયમિત ચાલ ચાલે છે. તેની એકમાત્ર સારવાર તરત જ શોક (ડિફિબ્રીલેશન) છે અને સાથે ‘સીપીઆર’ મગજને અને હૃદયને લોહી પહોંચાડી શકે છે અને હૃદયની નોર્મલ ચાલ (રિધમ) આવી જાય તો દર્દીની બચવાની તક વધી જાય છે. વ્યક્તિ ઢળી પડે પછી જો ૪ મિનિટની અંદર અસરકાર સીપીઆર શરૂ કરી દેવામાં આવે અને ડીફીબ્રીલેશન જો ૧૦ મિનિટમાં પુરું પાડવામાં આવે તો વ્યક્તિની બચવાની તક ૪૦ ટકા થઇ જાય છે. અચાનક થતાં કાર્ડિયાક અરેસ્ટના હુમલાના દર્દીઓમાંથી આશરે ૯પ ટકા દર્દીઓ હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ પામતા હોય છે.