THIS NEWS IS SPONSORED BY –– RAHUL KHONDA
- પીએમઓ, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દાખવેલી સક્રીયતાથી દીકરીઓ પરત ફરી, વાલીઓએ માન્યો આભાર.
- દીકરીઓને પરત લેવા ગયેલી મહાસાગર ટ્રાવેલ્સની બસે ઉદ્દાતભાવે ભાડું ના લીધું અને રસ્તામાં દીકરીઓને ચા-પાણી નાસ્તો કરાવ્યો.
- ઝાલોદ અને ગરબાડા તાલુકાની આ દીકરીઓનું તબીબો દ્વારા સ્ક્રિનિંગ કરાયું, તમામને હોમ ક્વોરોન્ટાઇન થવા માટે અપાઇ સૂચના.
- વાલીઓની મદદની ગુહારને ધ્યાને લઇ કલેક્ટર શ્રી વિજય ખરાડી દ્વારા ૧૧૦૦ કિ. મિ. દૂર મોકલાયેલી બસ દીકરીઓને સલામત રીતે પરત લાવી.
તેલંગણાના મલ્કાજગીરી ખાતે નર્સિંગનો અભ્યાસ કરતી દાહોદ જિલ્લાની ૨૭ છાત્રાઓને જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોના પરિણામ સ્વરૂપ પરત લાવવામાં આવી છે. કોરોના વાયરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં ફસાઇ ગયેલી આ દીકરીઓ દાહોદમાં પોતાના ઘરે આવવા માટે આતુર હતી અને એ માટે તેમણે વિવિધ સ્તરે મદદ માગી હતી. આ બાબતને ધ્યાને લઇ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક બસ ત્યાં મોકલવામાં આવી હતી. જે બસ આ દીકરીઓને લઇ પરત ફરી હતી. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, એકાદ અઠવાડિયા સોશ્યલ મીડિયાના માધ્યમથી આ અંગે જાણ થઇ હતી. તેમાં રજૂઆત કરી હતી કે, તેલંગણાના મલ્કાજગીરી ખાતે આવેલી ક્રિસ્ટીના નર્સિંગ કોલેજ ખાતે દાહોદ જિલ્લાના ગરબાડા તથા ઝાલોદ તાલુકાની ૨૭ દીકરીઓ લોકડાઉનમાં ફસાઇ ગઇ છે. આ દીકરીઓ ત્યાં અભ્યાસ કરે છે અને હવે દાહોદ પરત આવવા માંગે છે. આ બાબતની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા રાજ્ય સરકારને તુરંત જાણ કરવામાં આવી હતી અને સરકારે ત્વરિત આ દીકરીઓને સલામત પરત લાવવા માટે સૂચના આપી હતી. તે બાદ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા. સ્વૈચ્છિક સંસ્થાના રાજેશભાઇ સિસોદિયાને મલ્કાજગીરીની કોલેજ સાથે સંકલનમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. એ દરમિયાન, દીકરીઓને પરત લાવવા માટે સ્વૈચ્છિક સંસ્થાએ દિલ્હી સ્થિત ગુજરાત ભવનનો પણ સંપર્ક કર્યો હતો. જ્યાંથી તેલંગણા ભવન સાથે સંકલન સાધવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે આવેલી વિવિધ રાજ્યના રેસીડેન્સ કમિશનરની કચેરીઓ પણ આ બાબતે સંકલન સાધવાનું કાર્ય કરી રહી છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલય, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ તથા રાજ્ય સરકારના તેલંગણાના નોડેલ ઓફિસર શ્રી ધનંજય દ્વિવેદી અને શ્રી પી. ભારતીએ પણ આ દીકરીઓને દાહોદ પરત લાવવા માટે સક્રીય રસ લીધો હતો.
તેમણે ઉમેર્યું કે, ચાર દિવસ પહેલા સૌરાષ્ટ્રથી મહાસાગર ટ્રાવેલ્સની એક બસ હૈદરાબાદ મોકલવામાં આવી હતી. આ વિદ્યાર્થિનીઓ મલ્કાજગીરીથી હૈદરાબાદ આવી હતી અને ત્યાંથી ટ્રાવેલ્સમાં બેસી બે રાત તથા એક દિવસની મુસાફરી કરી આજે સલામત રીતે દાહોદ પરત આવી ગઇ હતી.
વિશેષ બાબત તો એ છે કે, દાહોદથી હૈદરાબાદ સુધીનો માર્ગ ૧૧૦૦ કિલોમિટર જેટલો થાય છે અને સામાન્ય રીતે આટલી મુસાફરી માટે ટ્રાવેલ્સનું ભાડું ₹.દોઢેક લાખ જેટલું થઇ જાય છે. પણ, દીકરીના કાજે મહિસાગર ટ્રાવેલ્સના સંચાલકોએ એક પણ રૂપિયાનું ભાડું લીધા વિના આ કાર્ય કરી આપ્યું છે. આટલું જ નહી, મુસાફરી દરમિયાન ચા-પાણી અને નાસ્તો પણ બસના ડ્રાઇવર સાજીદભાઇ બેલીમ, મેંજરભાઇ ખાંભલા અને સલીમભાઇ સિપાહીએ કરાવ્યો હતો. ટૂંકમાં, દાહોદની આ ૨૭ દીકરીઓને મુસાફરી દરમિયાન કોઇ પણ પ્રકારની મુશ્કેલી પડવા દેવામાં આવી નહોતી. આ બાબતે ધ્યાને લઇ કલેક્ટરશ્રીએ બસના ક્ર્રુ મેમ્બરનું સન્માન કર્યું હતું. આ ૨૭ દીકરીઓ આજે સવારે દાહોદ ખાતે આવી પહોંચતા જિલ્લા સેવા સદન ખાતે તેનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. તેના સામાનને સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા. બાદમાં, કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે દીકરીઓને દાહોદ ખાતે આવકારી હતી અને તમામને હોમ ક્વોન્ટાઇન થવાની સૂચના આપી હતી. તેમણે, નાક અને મ્હોં ઢંકાઇ એ રીતે મોઢે કપડું રાખવા, સામાજિક અંતર રાખવા અને સાબુથી હાથ ધોવા અંગેના કોરોના સામે લડવાના વિજય સંકલ્પ લેવડાવ્યા હતા. અહીં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ છાત્રાઓની તબીબી તપાસ કરવામાં આવી હતી અને દવાઓ આપવામાં આવી હતી.
બાવકા ગામની છાત્રા તોરલ પરમારે કહ્યું કે, અમે અમારી કોલેજમાં ફસાઇ ગયા હતા. કોરોના વાયરસના કારણે અમને અમને ખૂબ જ ચિંતા થતી હતી. આ માટે અમે દાહોદ અમારા ઘરે પરત આવવા માટે મદદ માંગી હતી. જેનો અમને સકારાત્મક જવાબ મળ્યો હતો. આજે અમે સલામત રીતે ઘરે આવી ગયા છીએ. આ બદલ અમે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને દાહોદના કલેક્ટર વિજયભાઇ ખરાડી તથા રાજેશભાઇ સીસોદીયાનો આભાર માનીએ છીએ. જો તેમણે આ પ્રયત્નો ના કર્યા હોત તો હજુ અમે ફસાયેલા જ હોત. બાદમાં, આ દીકરીઓનું તેમના પરિવારજનો સાથે મિલન થયું ત્યારે પણ ભાવુક દ્રષ્યો સર્જાયા હતા. પોતાની દીકરી સુરક્ષિત રીતે પરત આવવાની ખુશી વાલીઓના ચહેર ઉપર સ્પષ્ટ જોવા મળી હતી.