

બે માસમાં દાહોદ જિલ્લાના તમામ કુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા સૌ સાથે મળી કામ કરે : રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ
દાહોદ જિલ્લામાં શરૂ થયેલા ત્રિદિવસીય પોષણ અભિયાનના પ્રથમ દિવસે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ જાલત ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને તેમણે આંગણવાડીના કુપોષિત બાળકને પોતાનું સ્વજન સમજી દરકાર કરવાની લોકોને અપીલ કરી હતી. રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે કહ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની નેતૃત્વથી રાજ્ય સરકારે કુપોષિત બાળકોની ગંભીર ચિંતા કરી પોષણ અભિયાન શરૂ કર્યું છે. ત્યારે, બાળક આંગણવાડીમાં નિયમિત જાય, તે પૂરતો ખોરાક લે, ઘરે જઇ પણ પોષણયુક્ત આહાર લે તેની દરકાર આપણે સૌએ કરવાની છે. બાળક જ્યારે આંગણવાડીમાં જાય ત્યારે તેમને દૂધ આપવામાં આવે છે. બાળકને ગરમ નાસ્તો અને બાદમાં ભોજન આપવામાં આવે છે. ફળફળાદી આપવામાં આવે છે. આમ છતાં, આપણું બાળક શા માટે કુપોષિત રહી જાય છે ? એ બાબતે ચિંતન કરવાની જરૂર છે. હવે તો જે આંગણવાડીના તમામ બાળકો કુપોષણમાંથી બહાર આવી જાય તેના કર્મયોગીનેને રાજ્ય સરકાર પ્રોત્સાહક રકમ ઇનામ સ્વરૂપે આપવાની છે.

સગર્ભા તથા ધાત્રી માતા, કિશોરીઓ, બાળકોને પોષકતત્વોથી ભરપૂર પ્રિમિક્સ આહાર આપવામાં આવે છે. તેને પરિવાર ઘરે લઇ તેનું સેવન કરે એ બાબતની સૌએ તકેદારી લેવાની આવશ્યક્તા છે. સગર્ભા માતા જો આ આહાર લે તો તેનું બાળક તંદુરસ્ત જન્મે છે. રાજ્ય સરકારે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે, આગામી બે વર્ષમાં રાજ્યના તમામ બાળકો કુપોષણની સ્તરમાંથી બહાર આવી જાય અને તે ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બને ! પોષણ અભિયાન તે નેમનું સંવાહક છે. તેમાં રાજ્ય સરકારના તમામ પદાધિકારી અને અધિકારીઓને જોડવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાના તમામ કુપોષિત બાળકો તંદુરસ્ત બને તે રીતે કામ કરવા રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે અપીલ કરી હતી. પોષણ અભિયાન સાથે વાનગી નિદર્શન, તંદુરસ્ત બાળક હરિફાઇ પણ યોજાઇ હતી. આ ઉપરાંત પોષક પાલક વાલીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ પ્રાંત અધિકારી સુથાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પટેલ, તાલુકા વિકાસ અધિકારી ગણાવા, અગ્રણી જીથરાભાઇ ડામોર, સરપંચ રાકેશભાઇ બિલવાલ, ભરતભાઇ સોલંકી સહિત ઉપસ્થિત રહ્યા હતા.