દાહોદ ખાતે ગોવિંદ નગર રોડ સ્થિત ચેતના સોસાયટીમાં આવેલ પંચાલ સમાજ વાડીમાં પંચાલ સમાજના નવયુવક મંડળ દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવ તથા મંદિરનો જીર્ણોદ્ધાર કરી વિશ્વકર્મા દાદાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો.
આજે તા.૨૭/૦૫/૨૦૨૩ ને શનિવારના રોજ સવારથી જ આ મહોત્સવમાં ગણપતિ માતૃકા વિધિ, મંડપ પ્રવેશ, દેવતાઓનું આહવાન, અગ્નિ સ્થાપન, કુટીર હોમ, જેવી પવિત્ર વિધિ બાદ સમસ્ત દેવતાઓની મૂર્તિની પંચાલ સમાજની વાડી ખાતેથી એક વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે દાહોદના વિવિધ રાજમાર્ગો પર ફરી પુનઃ પંચાલ સમાજની વાડી ખાતે પરત આવી હતી. જેમાં શ્રી વિશ્વકર્મા દાદા, શ્રી ગણેશ ભગવાન, શ્રી હનુમાન દાદા, શ્રી ચામુંડા માતા, શ્રી વાસ્તુ ભગવાન, હંસ, શિખર કળશ, તથા ધજા દંડ આ શોભાયાત્રા નું મુખ્ય આકર્ષણ હતું.
આ શોભાયાત્રામાં નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, પંચાલ સમાજના વડીલો, પુરુષો, મહિલાઓ, બાળકો તથા શ્રી રામજી મંદિરના મહંત જગદિશદાસજી મહારાજ ઉપસ્થિત રહી શોભાયાત્રાની શોભા વધારી હતી. આ મહોત્સવ ત્રણ દિવસનો હોય સમસ્ત પંચાલ સમાજના દુકાનદારોએ સ્વેચ્છિક ત્રણ દિવસ વેપાર રોજગાર બંધ રાખી આ મહોત્સવનો લાભ લે તેવી પંચાલ સમાજ નવયુગ મંડળ દ્વારા અરજ કરવામાં આવી હતી જેનો સંપૂર્ણ પંચાલ સમાજે ખૂબ જ ભાવ સાથે વેપાર રોજગાર બંધ રાખી આ શોભાયાત્રા નો લાભ લેવા ઉમટી પડ્યા હતા.
આ મહોત્સવના બીજા દિવસે કળશ યાત્રાનું આયોજન સવારના ૦૯:૦૦ કલાકે વિશ્વકર્મા મંદિરથી પ્રસ્થાન કરશે તથા દાહોદના મંડાવાવ રોડ ખાતે આવેલ જલારામ બાપાના મંદિરે આ કળશ યાત્રાનું સમાપન થશે. તથા ત્રીજા દિવસે પૂર્ણાહુતિ કરવામાં આવશે આ સમસ્ત મહોત્સવ દરમિયાન પંચાલ સમાજના તમામ વ્યક્તિઓ તથા આમંત્રિત મહેમાનો માટે સવારે અને સાંજે ભોજન પ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવેલ હતું આ સમગ્ર આયોજન રામાનંદ પાર્ક ખાતે રાખવામાં આવ્યો છે.